- National
- બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપ...
બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’
ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બદ્રીનાથ ધામ, કેદારનાથ ધામ અને સમિતિના અધિકારક્ષેત્ર હેઠળના તમામ મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવશે. સમિતિની આગામી બોર્ડ મીટિંગમાં આ અંગે ઔપચારિક ઠરાવ પસાર કરવામાં આવશે.
આજતકના અહેવાલ મુજબ, હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું રક્ષણ સૌથી જરૂરી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘કેદારખંડથી લઈને માનસખંડ સુધીના મંદિરોમાં પરંપરાગત રીતે બિન-હિન્દુઓને પ્રવેશ થઈ રહ્યો નથી, પરંતુ અગાઉની બિન-ભાજપ સરકારો દરમિયાન આ પરંપરાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. હવે, આ પરંપરાઓનો કડક અમલ કરવામાં આવશે.’
હેમંત દ્વિવેદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ચાર ધામ કોઈ પર્યટન સ્થળો નહીં, પરંતુ સનાતન ધર્મના સર્વોચ્ચ તીર્થસ્થળો છે. અહીં પ્રવેશ એ નાગરિક અધિકારોનો મામલો નથી, પરંતુ ધાર્મિક પરંપરાઓનો વિષય છે. તેમણે દાવો કર્યો હતો કે બધા મુખ્ય ધાર્મિક ગુરુઓ પણ આ જ મત ધરાવે છે કે બિન-હિન્દુઓને આ મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી ન આપવી જોઈએ.
BKTCના અધ્યક્ષે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીના નિર્દેશ પર રાજ્યભરમાં ગેરકાયદેસર મજારો દૂર કરવામાં આવ્યા અને આ પગલું ઉત્તરાખંડની ધાર્મિક ઓળખ, સાંસ્કૃતિક વારસો, કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવશે. ભાજપ નેતાએ દાવો કર્યો હતો કે, ‘UCCના અમલીકરણથી લોકોનો સરકારમાં વિશ્વાસ વધ્યો છે.’
કોંગ્રેસે આ નિર્ણયને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે, ‘તેના પર મારે કોઈ ટિપ્પણી કરવી નથી કારણ કે આ ભાજપનો પોતાનો એજન્ડા છે. તેમને કરવા દો... વિશ્વભરના અન્ય ધર્મો લોકોને પોતાના પૂજા સ્થળો તરફ આકર્ષે છે. તેઓ આવું કરતા નથી.’
તો, કોંગ્રેસના પ્રવક્તા સુજાતા પાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ‘પહેલા એ નક્કી કરવું જોઈએ કે કોણ હિન્દુ છે અને હિન્દુ ધર્મની પરિભાષા શું છે? જે લોકોને VIP દર્શન કરવવામાં આવે છે, મોટી હોટલોમાં રાખવામાં આવે છે અને જેમની સાથે તસવીરો ખેચવવામાં આવે છે, શું તેમનું પણ આવવાનું બંધ થશે?’
તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘શું ઉત્તરાખંડના રાજ્યપાલ પણ હવે બદ્રીનાથ અને કેદારનાથ ધામ નહીં જઇ શકે?’ ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના વર્તમાન રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહ છે, જે શીખ સમુદાયમાંથી આવે છે.

