- Education
- UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું. તેને ભેદભાવપૂર્ણ નિયમ ગણાવતા લોકો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા છે. ચાલો જાણીએ આખરે UGCનો નવો નિયમ શું છે અને તેને બનાવવાની શું જરૂર પડી?
વાસ્તવમાં, રોહિત વેમુલા કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવને દૂર કરવા માટે નિયમો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ, UGCએ નિયમોમાં સુધારો કર્યો. આ મહિને UGCએ UGC પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ, 2026 જાહેર કર્યું હતું. તેમાં OBCને સામેલ કરવા અને ‘ઇક્વિટી કમિટી’ની રચનાને લઈને ખૂબ વિવાદ થઈ રહ્યો છે. આ અગાઉ ડ્રાફ્ટમાં જાતિ આધારિત ભેદભાવ સામે રક્ષણના દાયરામાં ફક્ત SC અને STનો જ સમાવેશ થતો હતો. પરંતુ હવે OBCને પણ સામેલ કરવામાં આવ્યો છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
નવા નિયમો અનુસાર, દરેક કૉલેજ/યુનિવર્સિટીમાં એક 'ઇક્વિટી કમિટી'ની રચના કરવામાં આવશે. વિવાદ એ વાતને લઈને છે કે આ સમિતિમાં SC, ST, OBC, મહિલાઓ અને દિવ્યંગના પ્રતિનિધિઓ ફરજિયાત હોવા જોઇએ, પરંતુ સામાન્ય વર્ગના પ્રતિનિધિત્વ માટે કોઈ ફરજિયાત જોગવાઈ નથી.
નવા નિયમો હેઠળ SC, ST અને OBC સભ્યો સાથે થનારા કોઈપણ અનુચિત વર્તનને ભેદભાવ ગણવામાં આવશે. સંસ્થાના વડાની અધ્યક્ષતામાં ‘ઇક્વિટી કમિટી’ ભેદભાવની ફરિયાદોની તપાસ કરશે. ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર કાર્યવાહી થવી જોઈએ અને 15 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવો પડશે. સંસ્થાઓએ 24/7 હેલ્પલાઇન અને ઓનલાઇન ફરિયાદ સિસ્ટમ શરૂ કરવાની જરૂર પડશે. એવી પણ જોગવાઈ છે કે નિયમોનું પાલન ન કરવા પર યુનિવર્સિટીની ડિગ્રી આપવાની શક્તિ છીનવી શકાય છે અથવા ગ્રાન્ટ રોકી શકાય છે.
વિરોધ કરનારાઓનો તર્ક છે કે ઇક્વિટી કમિટીમાં સામાન્ય વર્ગના સભ્ય ન હોવાથી તપાસ નિષ્પક્ષ નહીં થઈ શકે. સાથે જ, એવો ભય પણ વ્યક્ત કર્યો કે, ખોટી ફરિયાદો દ્વારા આ નિયમોનો દુરુપયોગ થઈ શકે છે, કારણ કે ખોટી ફરિયાદો દાખલ કરનારાઓ સામે સજાની જોગવાઈ હટાવી દેવામાં આવી છે.
બીજી તરફ, સરકારનું કહેવું છે કે, ઉચ્ચ શિક્ષણમાં OBC વિદ્યાર્થીઓને પણ ભેદભાવનો સામનો કરવો પડે છે, એટલે તેમને સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, દિગ્વિજય સિંહની આગેવાની હેઠળની શિક્ષણ સંસદીય સમિતિએ આ સંદર્ભમાં ભલામણ કરી હતી. તે ભલામણના આધાર પર OBCને પણ આ દાયરામાં લાવવામાં આવ્યા છે.

