- Opinion
- રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
(ઉત્કર્ષ પટેલ)
22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા ધામમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા સાથે જે લાગણીઓનો ઉદય થયો હતો તેના આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષ માત્ર આસ્થાના નહીં પરંતુ કરુણા, કર્તવ્ય અને જનકલ્યાણના પ્રતીક બન્યા છે.
આ સમયગાળામાં દેશવાસીઓએ સેવાને ધરાતલ પર ઉતરતી જોઈ છે. ક્યાંક અનાજના રૂપમાં, ક્યાંક ઇલાજના સ્વરૂપે, ક્યાંક પાકા મકાનો બનીને તો ક્યાંક સ્વચ્છ પીવાના પાણીના રૂપમાં. ભારત સરકારના નિર્ણયોએ માત્ર સુવિધાઓ વધારી નથી પરંતુ લોકોમાં અભિમાન અને આત્મવિશ્વાસ પણ જગાવ્યો છે.

અયોધ્યામાં રામ મંદિરની આસપાસનો વિકાસ અસાધારણ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ડબલ લાઇન રેલવે, સોલર સિટી તરીકેની વ્યવસ્થાઓ અને વધતી તીર્થયાત્રીઓની સંખ્યા એ બધુ શ્રી રામની ભક્તિ સાથે જોડાયેલા વ્યવહારિક વિકાસનું ઉદાહરણ છે. આ બધું રામરાજ્યની સાચી કલ્પના તરફ ઇશારો કરે છે જ્યાં શાસનનો મુખ્ય ઉદ્દેશ્ય સેવા બને અને દરેક નાગરિકનો ઉત્થાન થાય.
આ બે વર્ષમાં જનકલ્યાણની યોજનાઓએ ગરીબથી લઈને મધ્યમ વર્ગ સુધીના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવ્યા છે. શ્રી રામ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક ઓળખ, આત્મસન્માન અને સેવાભાવનાનું જીવંત પ્રતીક બની ગયું છે.

આજે જ્યારે આપણે આ બે વર્ષની યાત્રાને યાદ કરીએ છીએ ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે રામરાજ્યનો સાચો અર્થ એ છે કે દરેક વ્યક્તિની સેવા દ્વારા રાષ્ટ્રનું નિર્માણ થાય.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

