- Business
- હિંડનબર્ગે અદાણી ગ્રુપને પહોંચાડ્યું ભારે નુકસાન, હવે લેવો પડ્યો આ મોટો નિર્ણય
હિંડનબર્ગે અદાણી ગ્રુપને પહોંચાડ્યું ભારે નુકસાન, હવે લેવો પડ્યો આ મોટો નિર્ણય
અમેરિકી રિસર્ચની અસર અદાણી ગ્રુપ પર હજુ પણ જોવા મળી રહી છે. વીતેલા 20 દિવસોથી ભારે નુકસાન ઝેલી રહેલા ગ્રુપે શોર્ટ સેલર ફર્મ સાથે આરપારની કાયદાકીય લડાઈ લડવાની તૈયારી સાથે જ પોતાનું સમગ્ર ફોકસ ડેમેજ કંટ્રોલ પર લગાવી દીધુ છે. તેના માટે દેવુ ચુકવવાથી લઈને ખર્ચમાં રોકડ બચાવવા સુધી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. શેરોમાં આવેલી ત્સુનામીને પગલે થયેલા નુકસાન બાદ અદાણી ગ્રુપે હવે પોતાના રેવેન્યૂ ગ્રોથ ટાર્ગેટને 40 ટકાથી ઘટાડીને આશરે અડધો કરી દીધો છે.

ગત મહિને 24 જાન્યુઆરીએ પબ્લિશ થયેલી અમેરિકી ફર્મ હિંડનબર્ગની રિસર્ચ રિપોર્ટની એવી તાત્કાલિક અસર અદાણી ગ્રુપ પર જોવા મળી કે અત્યારસુધી તેણે દરરોજ ખોટ સહન કરવી પડી રહી છે. 88 ગંભીર સવાલોને ઉઠાવનારો રિપોર્ટ જાહેર થયા બાદથી અત્યારસુધી ગ્રુપનું માર્કેટ કેપ 117 અબજ ડૉલર કરતા વધુ ઘટી ચુક્યુ છે. શેરોમાં આવેલા જોરદાર ઘટાડાને પગલે અદાણીની નેટવર્થ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ અને દુનિયાના અબજોપતિઓના લિસ્ટમાં ચોથા નંબર પરથી તેઓ નીચે સરકીને ટોપ-20માંથી બહાર થઈ ગયા. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપ આવનારા નાણાકીય વર્ષ માટે રેવેન્યૂ ગ્રોથ ટાર્ગેટને પૂર્વ અનુમાન 40 ટકાથી ઘટાડીને 15થી 20 ટકા કરી શકે છે.
હિંડનબર્ગના વંટોળમાંથી બહાર નીકળવા માટે અદાણી ગ્રુપે જે પ્લાનિંગ કર્યું છે, તેમા દેવાની ચુકવણી, કેશ બચાવવી, કેપિટલ એક્સપેન્ડીચર પ્લાનમાં કાપ અને ગિરવે મુકેલા શેરોને છોડાવવા જેવી બાબત સામેલ છે. રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓએ બેંકો પાસે પોતાના વધારાના શેર ગિરવે મુક્યા છે, જેને છોડાવવા માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે કંપનીઓના શેર ગિરવે છે, તેમા અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી સામેલ છે.

હિંડનબર્ગની ખરાબ અસરને પગલે થયેલા નુકસાનમાંથી બહાર આવવા માટે હવે અદાણી ગ્રુપ પોતાની ફાયનાન્સિયલ હેલ્થને ફરીથી રિપેર કરવાના પ્રયત્નોમાં લાગી ગયુ છે. રિસર્ચ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોથી ઘેરાયેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ એક સામાન્ય ઓડિટ કરવા માટે બિગ ફોર (Deloitte, EY, KPMG અને PWC) અકાઉન્ટિંગ ફર્મોમાંથી એકને નિયુક્ત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત, ગ્રુપે શોર્ટ સેલર ફર્મ વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડવા માટે અમેરિકાની દિગ્ગજ લો ફર્મ વોયટેલને પસંદ કરી લીધી છે.

અઠવાડિયા પહેલા કારોબારી દિવસ સોમવારે પણ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ઘટાડાનો સિલસિલો ચાલુ રહ્યો. સવારે માર્કેટ ખુલ્યા બાદ 9.30 વાગ્યા સુધી અદાણી પાવર લિમિટેડના સ્ટોક 4.99 ટકા ગગડીને 156 રૂપિયા, અદાણી વિલ્મર લિમિટેડના શેર 1.48 ટકા ઘટાડા સાથે 429.45 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેર 5 ટકા ઘટીને 688.05 રૂપિયા, અદાણી ટોટલ ગેસ લિમિટેડના શેર 5 ટકા તૂટીને 1192.65 રૂપિયા, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના સ્ટોક્સ 5 ટકા ઘટીને 1127.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. આ ઉપરાંત, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને ACC Ltdના શેર પણ લાલ નિશાન પર ખુલીને ક્રમશઃ 360.65 અને 1870.00 રૂપિયાના લેવલ પર કારોબાર કરી રહ્યા હતા. આ દરમિયાન, Adani Enterprise Ltd ના શેર મામૂલી ઘટાડા સાથે 1845.75 રૂપિયા અને Adani Ports and Special Economic Zone ના શેર 583.25 રૂપિયા પર હતા.

