- Business
- બોસ હોય તો આવા! કંપની વેચીને અમેરિકન CEOએ કર્મચારીઓમાં વહેચ્યા 2000 કરોડ રૂપિયા
બોસ હોય તો આવા! કંપની વેચીને અમેરિકન CEOએ કર્મચારીઓમાં વહેચ્યા 2000 કરોડ રૂપિયા
એક અમેરિકન કંપનીના CEOએ પોતાના કર્મચારીઓના દિલ જીતી લીધા છે. તેમણે પોતાના પરિવારનો બિઝનેસ વેચી દીધો અને તેમાંથી મળેલી રકમનો મોટો હિસ્સો કર્મચારીઓમાં વહેંચી દીધો. સોશિયલ મીડિયા પર લોકો તેમને સાચા સાન્તા ક્લોઝ કહી રહ્યા છે.
આ CEO કોણ છે?
ગ્રેહામ વૉકર લુઇસિયાનાના રહેવાસી છે. તેમણે તાજેતરમાં જ પોતાના પરિવારની કંપની ફાઇબ્રેબોન્ડ વેચી દીધી હતી. વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, સંભવિત ખરીદદારો માટે તેમની શરત એ હતી કે તેમના કર્મચારીઓને અધિગ્રહણની રકમનો 15% હિસ્સો મળશે.
ગ્રેહામ વોકરે તેમના 540 કર્મચારીઓમાં 240 મિલિયન ડોલર (લગભગ 2,155.7 કરોડ) વહેંચ્યા છે. વોકરે જણાવ્યું કે તેમણે મુશ્કેલ સમયમાં પણ કંપની સાથે રહેવા માટે પોતાના કર્મચારીઓના આભાર તરીકે આ ઈનામ આપ્યું. ચૂકવણી જૂનમાં શરૂ થઈ. સરેરાશ બોનસ 443,000 ડોલર એટલે કે લગભગ 4 કરોડ છે. આ રકમ 5 વર્ષ સુધી વહેંચવાની છે, પરંતુ એવી શરત સાથે કે કર્મચારીઓ ચોક્કસ સમયગાળા સુધી સંસ્થા સાથે રહે. પૂર્વ CEOએ યાદ કર્યું કે જ્યારે વિભાજન શરૂ થયું, ત્યારે તેમના કેટલાક કર્મચારીઓને લાગ્યું કે આ કોઈ મજાક છે. કેટલાક તો ખૂબ જ ભાવુક પણ થઈ ગયા.
540 કર્મચારીઓમાંથી કેટલાકે તેમના બોનસનો ઉપયોગ મોર્ટગેજ અને લોન ચૂકવવા માટે કર્યો, અન્ય લોકોએ કાર ખરીદી અથવા ફેમિલી ટ્રીપનું આયોજન કર્યું. ગ્રેહામ વોકરે પોતે સ્વીકાર્યું હતું કે કેટલાક કર્મચારીઓએ બોનસ મળતાની સાથે જ પૈસા ખર્ચ કરી નાખ્યા હતા. તેમના શબ્દોમાં કહીએ તો, આ તેમના પૈસા છે અને નિર્ણય તેમનો છે. નોંધનીય છે કે જો કર્મચારીઓ પાસે શેર હોય તો તેમને કંપનીના વેચાણ દરમિયાન મોટી ચૂકવણી મળે છે. પરંતુ, વૉકરની કંપનીમાં કર્મચારીઓના કોઈ શેર નહોતા.
તમને જણાવી દઈએ કે, ફાઇબ્રેરબોન્ડની શરૂઆત વૉકરના પિતા ક્લાઉડ વૉકર દ્વારા 1982માં કરવામાં આવી હતી. 1998માં, ફેક્ટરીમાં આગ લાગી, પરંતુ કર્મચારીઓના પગાર અટકાવવામાં આવ્યા નહોતા. ડોટ-કોમ બબલ દરમિયાન છટણીઓ થઈ હતી, પરંતુ બાદમાં ગ્રેહામ અને તેના ભાઈએ કંપનીને સંભાળચા દેવું ચૂકવ્યું અને નવા વિભાગો શરૂ કર્યા, જેના કારણે વેચાણમાં 400 ટકાનો વધારો થયો.

