- Business
- ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વીઝા નિયમો ઘણા કડક અને વધુ મોંઘા કરી દીધા છે. H1B વીઝા ફી વધારવાથી લઈને 200,000 B1/B2 વીઝા રદ કરવાની તૈયારી સુધી, USએ હવે અનિશ્ચિત સમય માટે વીઝા ઇન્ટરવ્યુ સ્થગિત કરી દીધા છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વભરમાં US વીઝા અરજદારો માટે એપોઇન્ટમેન્ટ અને ઇન્ટરવ્યુ સ્થગિત કરી દીધા છે. ઉપરાંત નવી તારીખો જાહેર કરવામાં આવી નથી. મીડિયા સૂત્રો જણાવે છે કે, US સ્ટેટ ડિપાર્ટમેન્ટ વીઝા અરજદારોને E-mail મોકલી રહ્યું છે. જેમણે US દૂતાવાસોમાં ઇન્ટરવ્યુ શેડ્યૂલ કર્યા છે તેમને E-mail દ્વારા જાણ કરવામાં આવી રહી છે કે તેમની એપોઇન્ટમેન્ટ બદલાઈ ગઈ છે. નવી તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, વીઝા એપોઇન્ટમેન્ટના ફરીથી શેડ્યૂલને સરળ બનાવવા માટે તમામ US દૂતાવાસો અને કોન્સ્યુલેટમાં વૈશ્વિક તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જોકે તાલીમની અવધિ વિશે કોઈ વિગતો આપવામાં આવી નથી, આ કાર્યક્રમમાં વીઝા અરજદારોની વધુ સારી રીતે તપાસ કેવી રીતે કરવી તે અંગે તાલીમ આપવામાં આવશે.
ટ્રમ્પ વહીવટીતંત્ર કડક વીઝા અને ઇમિગ્રેશન કાર્યક્રમ લાગુ કરી રહ્યું છે. H-1B વીઝા ફી વધારવાથી લઈને બિઝનેસ અને ટુરિસ્ટ વીઝા પર વિદેશીઓને દેશનિકાલ કરવા સુધીના કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ આશરે 200,000 વિદેશી નાગરિકો માટે બિઝનેસ (B1) અને ટુરિઝમ (B2) વીઝા રદ કરવાની તૈયારી કરી રહ્યા છે. ગ્રીન કાર્ડ રદ કરવા સહિત વિવિધ કારણોસર વીઝા અરજીઓ નકારી કાઢવામાં આવી રહી છે.
કડક સુરક્ષા અને સ્ક્રીનીંગ નિયમો: કોઈપણ સંભવિત સુરક્ષા જોખમોને રોકવા માટે અમેરિકાએ કડક બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની સંપૂર્ણ તપાસ સહિત વીઝા આવશ્યકતાઓને કડક બનાવી છે. નવા ઇમિગ્રેશન અને વીઝા નિયમોનું પાલન કરવા માટે સિસ્ટમ અપડેટ કરવામાં આવી રહી છે.
USએ તાજેતરમાં વીઝા નિયમોમાં ઘણા મોટા ફેરફારો કર્યા હોવાથી, US જે વૈશ્વિક તાલીમનો ઉલ્લેખ કરી રહ્યું છે તેના સમય અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. નવા નિર્ણયની ભારતીયોને પણ અસર થશે. ભારતીય અરજદારોના ઇમિગ્રન્ટ અને નોન-ઇમિગ્રન્ટ વીઝા ઇન્ટરવ્યુ રદ કરવામાં આવશે. USએ સ્પષ્ટતા કરી નથી કે વીઝા ઇન્ટરવ્યુ પ્રતિબંધ કેટલો સમય ચાલશે. પરિણામે, તેમના પરિવારોને મળવા અથવા રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે વીઝાની રાહ જોઈ રહેલા ભારતીયોને વિલંબનો સામનો કરવો પડશે. અહીં તમને બતાવી દઈએ કે, 71 ટકા ભારતીયો H-1B વીઝા માટે અરજી કરે છે.
હવે અહીં એ સવાલ ઉભો થાય છે કે, શું આ નિર્ણય બધા વીઝા પર લાગુ પડે છે?, તો જણાવી દઈએ કે, આ નિર્ણયની અસર નોન-ઇમિગ્રન્ટ અને નવા ઇમિગ્રન્ટ વીઝા માટે નિયમિત ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ માટે છે. ઇમરજન્સી વીઝા તેનાથી મુક્ત છે.
હવે જેમના ઇન્ટરવ્યુ પહેલાથી જ શેડ્યૂલ કરેલા છે તેમને E-mail દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે. તેમના ઇન્ટરવ્યુ ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા છે.
અહીં એ જાણવું ખુબ જરૂરી છે કે, આ નિર્ણયની અસર ભારતીય વીઝા અરજદારો પર કેવી પડશે, તો કહેવાય છે કે, વીઝા ઇન્ટરવ્યુ રદ કરવાથી ભારતીય અરજદારો માટે નવા ઇન્ટરવ્યુ સ્લોટ ઉપલબ્ધ થવામાં વિલંબ થશે. પ્રક્રિયા ફરી શરૂ થયા પછી આ વીઝા નિયમો વધુ કડક બની શકે છે.

