- Business
- SEBIના એક નિર્ણય બાદ રોકેટ બન્યા આ બેંકના શેર, લગાવી જોરદાર છલાંગ
SEBIના એક નિર્ણય બાદ રોકેટ બન્યા આ બેંકના શેર, લગાવી જોરદાર છલાંગ

IDBI બેંકના શેરોમાં શુક્રવારે જોરદાર તેજી નોંધાઇ છે. બેંકના સ્ટોકમાં તેજી, બજાર નિયામક SEBIના એક નિર્ણય બાદ આવી છે. SEBIએ IDBI બેંકની શેરહૉલ્ડિંગ રિક્લાસિફિકેશનને મંજૂરી આપી દીધી છે એટલે કે કેન્દ્ર સરકાર હવે IDBI બેંકમાં કો-પ્રમોટર નહીં રહે. બેંકમાં હવે સરકારની ભાગીદારીને પબ્લિક કેટેગરીમાં રિક્લાસિફાઇ કરવામાં આવશે. સરકાર IDBI બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટના પ્રયત્નમાં લાગી છે. SEBIના આ નિર્ણય બાદ સરકારને તેમાં મદદ મળવાની આશા છે.
આજે IDBI બેંકના શેરોમાં 8 ટકાની તેજી જોવા મળી છે. શુક્રવારે શેર બજારમાં બિઝનેસ દરમિયાન બપોરે લગભગ 12:00 વાગ્યાની આસપાસ IDBI બેંકના શેર 8 ટકાથી ઉપર કારોબાર કરી રહ્યા હતા. સવારે આ બેંકના સ્ટોક 56 રૂપિયા પર ઓપન થયા હતા અને 59.70 રૂપિયા ટ્રાઇડે હાઇ પર પહોંચ્યા. IDBI બેંકનું આજનું લો લેવલ 56.10 રૂપિયા રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં આ બેંકના સ્ટોક બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 7.51 ટકા ચડ્યા છે. તો છેલ્લા 6 મહિનામાં IDBI બેંકના શેરોમાં 90.89 ટકાની તેજી નોંધાઇ છે.
એક્સચેન્જ ફાઇલિંગમાં IDBI બેન્કે SEBI પાસેથી મળેલી આ મંજૂરીની જાણકારી આપી છે. બેન્કે જણાવ્યું કે, શેર હોલ્ડિંગ રિક્લાસિફિકેશન માટે 3 જાન્યુઆરી 2023ના રોજ SEBI પાસેથી મંજૂરી મળી. જો કે, તેના માટે SEBIએ શરત રાખી છે કે, સરકારના વોટિંગ રાઇટ 15 ટકા પર જ કેપ કરવામાં આવશે. સરકાર અને જીવન વીમા નિગમ (LIC) મળીને IDBI બેંકમાં 60.72 ટકા હિસ્સેદારી વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સરકાર અને LIC બંને પાસે IDBI બેંકમાં 94.71 ટકાની હિસ્સેદારી છે.
તેમાં કેન્દ્ર સરકારની હિસ્સેદારી 45.48 ટકા છે, તો LICનો હિસ્સો 49.24 ટકા છે. સરકારે 7 ઓક્ટોબરના રોજ IDBI બેંકના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટે બોલીઓ આમંત્રિત કરવામાં આવી હતી. સરકારે થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે, વિદેશી ફંડ અને રોકાણ ફર્મોના એક કન્સોર્ટિયમને IDBI બેંકના 51 ટકાથી વધુની ઓનરશિપ હાંસલ કરવાની મંજૂરી આપવામાં આવશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી 2021માં બજેટ રજૂ કરતા IDBI બેંક સિવાય અન્ય સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી, પરંતુ કોરોના સંકટના કારણે મામલો અટકી ગયો હતો. સરકારે ચાલું નાણાકીય વર્ષ માટે 65 હજાર કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનું ટારગેટ સેટ કર્યું હતું. જો કે, હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, IDBIનું ડિસઇન્વેસ્ટમેન્ટ આગામી નાણાકીય વર્ષમાં જ થઇ શકશે.