- Business
- જો રાજ્ય સહમત થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે, નાણામંત્રીએ જણાવી યોજના
જો રાજ્ય સહમત થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે, નાણામંત્રીએ જણાવી યોજના

બજેટ બહાર પાડ્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવને GSTના દાયરામાં લાવવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. એક TV ચેનલ સાથે વાત કરતા નાણામંત્રીએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે સહમત થતા તેમણે કહ્યું કે, તે રાજ્ય સરકારો પર નિર્ભર છે. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકારો પ્રસ્તાવ સાથે સંમત થાય અને તેમની વચ્ચે વ્યાજબી દર નક્કી કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવી શકાય છે.
નાણામંત્રીએ કહ્યું કે, જો રાજ્ય સરકારો વચ્ચે સહમતિ સધાઈ જાય તો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવી શકાય છે. તેમના પર VATને બદલે GST લાદવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકારો વચ્ચે નિયત દર પર સહમતિ થશે તો પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTમાં સામેલ કરવામાં આવશે. રાજ્યો સંમતિ આપે પછી તેને તરત જ લાગુ કરી શકાય છે.
જો પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવશે તો તેલના ભાવમાં ઘટાડો થશે. GSTના દાયરામાં આવ્યા પછી પેટ્રોલ અને ડીઝલ પર અલગ-અલગ ટેક્સને બદલે એક જ ટેક્સ લાગશે. જેના કારણે ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. દેશભરમાં તેની એક કિંમત હશે. GSTના દાયરામાં આવતાં, પેટ્રોલ અને ડીઝલ પર મહત્તમ 28 ટકા ટેક્સ લાગશે, જે વર્તમાન GST સ્લેબમાં સૌથી વધુ છે. અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે વર્ષ 2022માં જ પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો નિર્ણય રાજ્યો પર છોડી દીધો હતો. તે સમયે સરકારે કહ્યું હતું કે, જો રાજ્યો પગલાં લેશે તો કેન્દ્ર સરકાર તેના માટે તૈયાર છે, પરંતુ આ માટે રાજ્યો વચ્ચે કોઈ સહમતિ બનતી નથી.
હાલમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક રાજ્યમાં અલગ અલગ છે, કારણ કે દરેક રાજ્યોએ તેના પર અલગ-અલગ ટેક્સ નાંખ્યો છે. આના ઉપર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે, અંતિમ ગ્રાહક બે વાર ટેક્સ ચૂકવે છે, એકવાર રાજ્ય સરકારને અને પછી કેન્દ્રને. બંનેને GSTના દાયરામાં લાવવાનો અર્થ એ થશે કે સમગ્ર દેશમાં એકસમાન ટેક્સ લાગુ થશે. અને આ રીતે સૈદ્ધાંતિક રીતે ભાવમાં ઘટાડો કરી શકાય છે.
PM નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર, પેટ્રોલિયમ ઉત્પાદનો પર લગભગ 60 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, જેના કારણે રાજ્યને 2.5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થાય છે અને કેન્દ્રને 2 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાથી, આ ઉત્પાદનો પર મહત્તમ 28 ટકાનો ટેક્સ સ્લેબ હશે, કારણ કે વર્તમાન ટેક્સ વ્યવસ્થામાં આ સૌથી વધુ સ્લેબ છે.