- Business
- ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI સેવાઓનો ઉપયોગ કરો છો, તો છેલ્લા કેટલાક દિવસોથી UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા ચાર્જ અંગેના અહેવાલોથી ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સ્થિતિ અંગે સંપૂર્ણપણે સ્પષ્ટતા કરી છે. વિપક્ષના આક્ષેપોનો મક્કમતાથી જવાબ આપતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે UPI ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકો પાસેથી એક પણ વધારાનો રૂપિયો વસૂલવામાં આવશે નહીં. આ કોઈ ટેક્સ કે સેસ નથી, અને સામાન્ય જનતા પર કોઈ આર્થિક બોજ પડશે નહીં. તો ચાલો સમજીએ કે MDR શું છે, શું સાચું છે અને શું અફવા...
નાણામંત્રીએ સંસદથી લઇને મીડિયા સમક્ષ પુનરોચ્ચાર કર્યો છે કે વિપક્ષ આ મુદ્દે મૂંઝવણ ફેલાવીને માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે સંપૂર્ણ ગણિત ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવી. MDR શું છે? તે 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (Merchant Discount Rate) છે, જે સર્વિસ પ્રોવાઇડર્સ જેમ કે બેંકો અને પેમેન્ટ એપ્સ વચ્ચે સિસ્ટમ સારી બનાવવા અને સારી સેવા દેવા માટે નક્કી કરવામાં આવે છે. તે કોઈ સરકારી ટેક્સ કે સેસ નથી; એટલે તેમાંથી થતી આવક સરકારી તિજોરીમાં જતી નથી. આ ચાર્જ ઓપરેટરો અને વેપારીઓ વચ્ચેનો મામલો છે. કોઈપણ સંજોગોમાં તેનો બોજ સામાન્ય ગ્રાહક પર નાખવામાં આવશે નહીં.
NPCIનો નવો નિયમ: કોના પર લાગૂ પડશે અને કોના પર નહીં?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ તાજેતરમાં MDRનું નવું માળખું રજૂ કર્યું છે. આ અંતર્ગત, ₹2,000 સુધીના નાના વ્યવહારો સંપૂર્ણપણે મફત રહેશે. ₹2,000થી વધુના 'પર્સન-ટૂ-મર્ચન્ટ' (P2M) વ્યવહારો એટલે કે ગ્રાહકો દ્વારા દુકાનદારોને કરવામાં આવતી ચૂકવણી પર 0.4%નો MDR લાગૂ થશે, જેની મહત્તમ મર્યાદા ₹300 નક્કી કરવામાં આવી છે. દેશમાં થતા P2M વ્યવહારોમાંથી લગભગ 96% વ્યવહારોનું મૂલ્ય ₹2,000થી ઓછું છે, એટલે આ નિર્ણયની સામાન્ય જનતા કે નાના દુકાનદારો પર કોઈ અસર પડશે નહીં. તેથી, હવે પછી જ્યારે તમે ચાની લારી હોય કે કોઈ મોટી દુકાન, ત્યા QR કોડ સ્કેન કરીને ચૂકવણી કરો ત્યારે કોઈપણ સંકોચ વિના પેમેન્ટ કરી શકો છો. UPI તમારા માટે સંપૂર્ણપણે મફત રહ્યું છે અને ભવિષ્યમાં પણ મફત જ રહેશે.

