- Business
- વાર્ષિક રિપોર્ટમાં 500 રૂપિયાની નોટને લઈને થયો મોટો ખુલાસો, RBIની વધી ચિંતા
વાર્ષિક રિપોર્ટમાં 500 રૂપિયાની નોટને લઈને થયો મોટો ખુલાસો, RBIની વધી ચિંતા
19 મે 2023ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2,000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. દેશની તમામ બેન્કોમાં તેની વાપસીની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. હવે RBIના વાર્ષિક રિપોર્ટમાં 500 રૂપિયાની નોટોને લઈને પણ મોટો ખુલાસો થયો છે. 2,000 રૂપિયાની નોટો બદલવા માટે આપવામાં આવેલી 30 સપ્ટેમ્બરની મુદત પૂરી થવા અગાઉ RBI સામે 500 રૂપિયાની નોટો સાથે જોડાયેલી આ મુશ્કેલી સામે આવી ગઈ છે.
2,000 રૂપિયાની ગુલાબી નોટ બંધ થયા બાદ હવે દેશમાં સૌથી મોટી કરન્સી નોટ રિઝર્વ બેંક માટે માથાનો દુઃખાવો બનતી જઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ 500 રૂપિયાની નકલી નોટની ઘૂસણખોરી સતત વધી રહી છે. વર્ષ 2022-23માં 500 રૂપિયાની લગભગ 91,110 નકલી નોટ પકડાઈ હતી, જે વર્ષ 2021-22ની તુલનામાં 14.6 ટકા વધારે છે. વર્ષ 2020-21માં 500 રૂપિયાની 39,453 નકલી નોટ પકડાઈ હતી, જ્યારે વર્ષ 2021-22માં 76,669 નકલી નોટ પકડાઈ હતી.

નકલી નોટોની જપ્તીના કેસોમાં 500 રૂપિયાની નોટ સિવાય 2,000 રૂપિયાની નકલી નોટ પણ સામેલ રહી છે. જો કે, તેમની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને નાણાકીય વર્ષ 2022-23માં 2,000 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 28 ટકા ઘટીને 9,806 રહી ગઈ. 500 અને 2,000 રૂપિયાની નોટો સિવાય 100,50, 20 અને 10 રૂપિયાની પણ નકલી નોટ પકડાઈ છે. RBIના રિપોર્ટ મુજબ, બેન્કિંગ સેક્ટરમાં પકડાઈ ગયેલી નકલી નોટોની કુલ સંખ્યા 1,25,769 રહી, જ્યારે આગલા વર્ષે 2,30,971 નકલી નોટ મળી હતી.
આ વર્ષે 500 સિવાય 20 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં વધારો નોંધાયો છે. વર્ષ 2022-23માં 20 રૂપિયાની નકલી નોટોમાં 8.4 ટકાની તેજી આવી છે. તો 10 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં 11.6 ટકા, 100 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં 14.7 ટકાનો ઘટાડો આવ્યો છે. નકલી નોટ સિવાય RBIએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં નોટો પર થનારા છાપકામની આખી જાણકારી આપી છે. RBIએ વર્ષ 2022-23માં કુલ 4,682.80 કરોડ રૂપિયા નોટ છાપવા માટે ખર્ચ કર્યા. વર્ષ 2021-22માં છાપકામ ખર્ચ 4,984.80 કરોડ રૂપિયા હતા.

જો સર્ક્યૂલેશનની વાત કરીએ તો સૌથી વધુ સર્ક્યૂલેશનમાં 10 રૂપિયા અને 500 રૂપિયાની નોટ ઉપસ્થિત છે. 31 માર્ચ 2023 સુધી વોલ્યૂમના હિસાબે દેશની કુલ કરેન્સી સર્ક્યૂલેશનનો 37.9 ટકા 500ની નોટ છે. ત્યારબાદ 10 રૂપિયાની નોટની હિસ્સેદારી 19.2 ટકા છે. એવામાં 500 રૂપિયાની નકલી નોટોની સિસ્ટમને સાફ કરવી RBIની મોટી જવાબદારી છે.

