- National
- બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની વૈભવી જીવનશૈલીને લઈને. બ્રૃજ ભૂષણ શરણ સિંહ પાસે ડઝનો લક્ઝરી કાર અને ઘણા મોંઘા પ્રાણીઓ છે. આ વખતે બ્રૃજ ભૂષણ સિંહ પોતાના મોંઘા ઘોડાને લઈને ચર્ચામાં છે. આ કોઈ સામાન્ય ઘોડો નથી; તેની કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પંજાબથી ગોંડામાં ઘોડો પહોંચતા જ તેને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. બ્રૃજ ભૂષણ સિંહે પોતે ઘોડાનું સ્વાગત કર્યું અને કહ્યું કે, ‘યાર, હું તો પાગલ થઈ જઈશ.’
બ્રૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર કરણ ભૂષણ સિંહ હાલમાં કૈસરગંજથી લોકસભા સાંસદ છે. તેમના પિતાને ભેટમાં ઘોડો આપનાર કરણ ભૂષણ સિંહનો મિત્ર છે. કરણ કૈસરગંજ બેઠક પરથી ભાજપ સાંસદ છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, તેના નામ તેજવીર બરાડ, ગુરપ્રીત અને દીપક છે. ત્રણેય પંજાબમાં એક હોર્સ રેસિંગ એકેડમી સાથે જોડાયેલા છે. અહેવાલો અનુસાર, બ્રૃજ ભૂષણ શરણ સિંહનો 69મો જન્મદિવસ 8 જાન્યુઆરીએ છે. તેથી તેમના પુત્રના મિત્રોએ તેમને જન્મદિવસની ભેટ તરીકે ઘોડો મોકલ્યો છે.
https://twitter.com/b_bhushansharan/status/2000415275263660240?s=20
ઘોડાને પંજાબથી ગોંડા સુધી એક મિની ટ્રકમાં લાવવામાં આવ્યો હતો. બ્રૃજ ભૂષણ સિંહે હવે ઘોડાને તેમના તબેલાના સ્ટાફને સોંપી દીધો છે. કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, ખાન-પાનમાં કોઈ કમી ન રહે. તેની નિયમિત ટ્રેનિંગ કરાવવામાં આવે અને તેના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવામાં આવે. ઘોડા બાબતે માહિતી શેર કરતા બ્રૃજ ભૂષણ શરણ સિંહ કહે છે, ઘોડો માત્ર 2 વર્ષનો છે. આંતરરાષ્ટ્રીય રેસમાં દોડી ચૂક્યો છે અને એક સ્પર્ધામાં 17 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું છે. ઘોડાનો અલગથી પાસપોર્ટ બન્યો છે, જેથી તે વિદેશમાં સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ શકે છે.
તેમના પુત્રના મિત્રો તરફથી મળેલી આ ભેટ બ્રૃજ ભૂષણ શરણ સિંહ પાસે પહેલું પ્રાણી નથી. તેમના તબેલામાં પહેલાથી જ ઘણા મોંઘા ઘોડા છે. આ મારવાડી ઘોડા છે, જેની કિંમત લાખો રૂપિયા છે. એકનું નામ બાદલ છે અને તેની કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. બીજાનું નામ બુલેટ છે, અને તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા છે. નવા ઘોડાના આગમન સાથે ઘોડાઓની સંખ્યા હવે 4 થઈ ગઈ છે.
આ ઉપરાંત, પૂર્વ સાંસદ પાસે 150થી વધુ ગાયો છે, જેમાંથી લગભગ 70 ગીર જાતિની છે. એક ગીર ગાયની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. લગભગ 5 વીઘા જમીન પર ફેલાયેલો તબેલો બ્રૃજ ભૂષણ શરણ સિંહના બંગલાની સામે જ આવેલો છે. જ્યારે તેઓ ગોંડામાં હોય છે, ત્યારે જીમ કર્યા બાદ સીધા તબેલા તરફ જાય છે. અહી ઉપસ્થિત બધા ઘોડાઓને ચણા વગેરે ખવડાવે છે. આ દરમિયાન તેઓ ઘણીવાર 2-4 રાઉન્ડની સવારી પણ કરે છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

