- World
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. શ્રીલંકામાં લાંચ લેવા અટકાવવા માટે રચાયેલા કમિશને કોર્ટને જાણકારી આપી છે કે અર્જૂન રણતુંગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કમિશને જણાવ્યું હતું કે તેઓ હાલમાં વિદેશમાં છે, એટલે તેમની ધરપકડ કરી શકાતી નથી.
શ્રીલંકન મીડિયા ડેઇલી મિરરમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ભ્રષ્ટાચાર વિરોધી કમિશન (CIABOC)એ આરોપ લગાવ્યો છે કે અર્જૂન રણતુંગાના પેટ્રોલિયમ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન દેશની તેલ કંપની, સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC)ને લગભગ 800 મિલિયન શ્રીલંકન રૂપિયાનું નુકસાન થયું હતું. આવું એટલા માટે થયું કારણ કે સરકારે ઊંચી કિંમતના સ્પોટ ટેન્ડરો લાગૂ કર્યા હતા. કમિશને કોર્ટને જાણ કરી હતી કે રણતુંગાની ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
શું આરોપો છે?
અહેવાલ મુજબ, કમિશનના વકીલે જણાવ્યું હતું કે, 2017-18 દરમિયાન સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના 3 ટેન્ડર રદ કરી દીધા હતા, જેમાં લાંબા ગાળાના કરાર હતા. બાદમાં વધુ કિંમતે સ્પોટ ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી. આનાથી કોર્પોરેશનને કથિત રીતે મોટું નુકસાન થયું હતું. કમિશને જણાવ્યું હતું કે, મામલામાં CPCના પૂર્વ અધ્યક્ષ ધમ્મિકા રણતુંગાની પહેલા જ ધરપકડ કરી લીધી છે. તો તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી અર્જૂન રણતુંગા, જે બીજા શંકાસ્પદ છે, તેમની ધરપકડ કરવા માટે પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.
ભ્રષ્ટાચાર વિરોધી કમિશનના વકી કહ્યું હતું કે, હાલમાં રણતુંગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ નહીં કરી શકાય, કેમ કે તેઓ વિદેશમાં છે, પરંતુ ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે. તો શંકાસ્પદો તરફથી રજૂ થયેલા વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ તપાસમાં સહકાર આપી રહ્યા છે. વકીલે જામીન અધિનિયમ હેઠળ યોગ્ય શરતો સાથે તેમને જામીન પર મુક્ત કરવાનો અનુરાધ કર્યો હતો.

