- Business
- RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે
RBIએ રેપોરેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો તેનાથી તમને જાણો શું ફાયદો થશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોનિટરી પોલિસીની બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટ હવે 5.25% થઈ ગયો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, રેપો રેટમાં ઘટાડો તાત્કાલિક પ્રભાવથી લાગૂ થશે. RBIના આ પગલાથી તમારી હોમ લોનની EMI ઓછી થશે. બેંકો ઓછા દરે લોન પણ આપી શકે છે.
RBI ગવર્નરે જણાવ્યું હતું કે, છેલ્લો મહિનો પડકારજનક રહ્યો છે, પરંતુ આગામી મહિનાઓ GDPથી લઈને ફુગાવાની દૃષ્ટિએ સારા રહેશે. અમારો ફુગાવાનો લક્ષ્યાંક 2% રહેવાનો છે. બીજા ક્વાર્ટરમાં વાસ્તવિક GDP ગ્રોથ 8.2% રહ્યો છે. આ વર્ષના પ્રથમ 6 મહિનામાં GDP ગ્રોથ 8% રહેવાનો અંદાજ છે.
છેલ્લા બે મહિનાથી પોલિસી રિવ્યૂની જાહેરાત કરતા ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘ઓક્ટોબર 2025ની પોલિસીથી અર્થતંત્રમાં ફુગાવો નોંધપાત્ર ખૂબ ઓછો થતો જોવા મળ્યો છે. વર્તમાન ગ્રોથ ઇન્ફ્લેક્શન ડાયનામિક્સ ગોલ્ડીલોકનો એક દુર્લભ ગોલ્ડી લોક્સ પીરિયડ દર્શાવે છે, જેમાં ગ્રોથ મજબૂત રહે છે.’
અર્થશાસ્ત્રીઓની ભાષામાં ગોલ્ડીલોક્સ એવા સમયગાળાને કહેવામાં આવે જ્યારે ફુગાવો નિયંત્રણમાં હોય છે અને સતત વિકાસ થતો રહેવાનો પણ ક્રમ યથાવત રહે છે. આ શબ્દ બાળકોની કહાની ‘ગોલ્ડીલોક્સ અને થ્રી બેયર્સ’માંથી લેવામાં આવ્યો છે. તેમાં, ગોલ્ડીલોક્સ 3 કટોરામાં પીરસાયેલા દાળિયાનો સ્વાદ ચાખે છે, જેમાં એક ખૂબ ગરમ, એક ખૂબ ઠંડુ, અને એક ન તો વધારે ઠંડુ કે ન તો વધારે ગરમ હોય છે. ગોલ્ડીલોક્સ ત્રીજા કટોરામાંથી દાળિયા ખાય છે.
ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે. એક સ્થિર આર્થિક વિકાસ પેટર્ન જાળવી રાખવામાં આવી છે, જેણે મંદીને રોકી રાખી છે, પરંતુ એટલી ઝડપથી નહીં કે ફુગાવો વધી જાય. એટલે કે વિકાસની ગતિ સંતુલિત અને સ્થિર છે.
RBIએ 2025માં રિપોર્ટમાં સતત 4 વખત ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરીમાં 25 બેઝિસ પોઈન્ટ રેપો રેટનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ એપ્રિલમાં પણ આટલા જ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો અને આ વર્ષે જૂનમાં સૌથી વધુ 50 બેઝિસ પોઈન્ટમાં ઘટાડો કર્યો હતો. અને હવે ફરી એક વખત 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. કુલ મળીને આ વર્ષે 125 બેઝિસ પોઈન્ટ અથવા 1.25% રેપોરેટનો ઘટાડો થયો છે. આ વર્ષના ઘટાડા અગાઉ રેપો રેટ 2 વાર સ્થિર રહ્યો હતો. જોકે, રેપો રેટ હવે 6.50%થી ઘટીને 5.25% થઈ ચૂક્યો છે.

