- National
- પ્રેમ લગ્ન, કરિયાવરની માંગણી અને ડમ્બલથી... પતિએ દિલ્હી પોલીસની કમાન્ડો પત્નીનું કેવી રીતે કરી કાસળ
પ્રેમ લગ્ન, કરિયાવરની માંગણી અને ડમ્બલથી... પતિએ દિલ્હી પોલીસની કમાન્ડો પત્નીનું કેવી રીતે કરી કાસળ કાઢી નાખ્યું?
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં તૈનાત 27 વર્ષીય બહાદુર સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ (SWAT) કમાન્ડો કાજલે મંગળવારે સવારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. 5 દિવસ અગાઉ, પશ્ચિમ દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાં જિમમાં ઉપયોગમાં લેવાતા લોખંડના ડમ્બલથી કાજલ પર તેના પતિએ જીવલેણ હુમલો કર્યો હતો. કાજલને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ત્યારથી તે કોમામાં હતી. હવે, કાજલના ભાઈ નિખિલે તે દિવસની આખી કહાની જણાવી છે, જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 2022 બેચમાં ભરતી થયેલી કાજલ તેની બહાદુરીને કારણે દિલ્હી પોલીસના પ્રતિષ્ઠિત SWAT યુનિટનો ભાગ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરીએ, મોહન ગાર્ડન સ્થિત તેમના ફ્લેટમાં પતિ અંકુર સાથે વિવાદ થયો હતો. અંકુર સંરક્ષણ મંત્રાલય (MoD)માં ક્લાર્ક તરીકે કામ કરે છે. એવો આરોપ છે કે ગુસ્સામાં આવીને તેણે કાજલના માથા પર ડમ્બલ વડે વારંવાર પ્રહાર કર્યા હતા.
હુમલા બાદ, અંકુર પોતે કાજલને હોસ્પિટલ લઈ ગયો. ત્યારબાદ તેણે તેના પરિવારને ફોન કરીને કાજલનો જીવ લઇ લેવાની કબૂલાત કરી. 22 જાન્યુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી. કાજલના મોટા ભાઈ નિખિલ, જે દિલ્હી પોલીસના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે, તેણે ઘટનાનું કડવું સત્ય જણાવ્યું. નિખિલના જણાવ્યા મુજબ, અંકુરે 22 જાન્યુઆરીએ તેને ફોન કર્યો હતો. તે સમયે બંને ઝઘડો કરી રહ્યા હતા. અંકુરે નિખિલને કોલ રેકોર્ડ કરવા કહ્યું. નિખિલે કહ્યું કે, ‘કોલ દરમિયાન, મને કાજલની ચીસો સાંભળવા મળી. કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો, અને 5 મિનિટ બાદ અંકુરે ફરીથી ફોન કરીને કહ્યું કે તેણે કાજલનો જીવ લઈ લીધો છે.’
નિખિલે જણાવ્યું કે કાજલ અને અંકુરના 2023માં પ્રેમ લગ્ન થયા હતા. તેમને દોઢ વર્ષનો પુત્ર છે. પરંતુ એવો આરોપ છે કે લગ્નના થોડા સમય બાદ, અંકુરના પરિવારે કાજલને કરિયાવર માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું. વિવાદ વધતા દંપતી સોનીપતના ગનૌરથી મોહન ગાર્ડન, દિલ્હી રહેવા જતું રહ્યું હતું. જોકે, અંકુરના દબાણને કારણે તેઓ પાછા ફર્યા. કાજલ 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ)ની ડ્યૂટીને કારણે 20 જાન્યુઆરીએ દિલ્હી આવી હતી, જ્યાં આ ભયાનક ઘટના બની હતી.
કાજલને શરૂઆતમાં મોહન ગાર્ડનની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેને 24 જાન્યુઆરીએ ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલ (નેહરુ નગર)માં ખસેડવામાં આવી હતી. મંગળવારે સવારે લગભગ 6:00 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા. ગાઝિયાબાદની સિહાની ગેટ પોલીસે કાજલના નિધનની દિલ્હી પોલીસને જાણ કરી.
શરૂઆતમાં મોહન ગાર્ડન પોલીસે અંકુર સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો. હવે, કાજલના નિધન બાદ પોલીસ આ કેસમાં કલમ 302 (હત્યા) ઉમેરશે. જોકે, પરિવાર દ્વારા કરિયાવર ઉત્પીડનના આરોપો છતા કરિયાવર સંબંધિત કલમો હજુ સુધી FIRમાં ઉમેરવામાં આવી નથી. પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

