- Gujarat
- સુરતમાં વધુ એક નકલી ઘીનું કારખાનું મળ્યું ઝડપાયું, કુલ 2,11,865 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
સુરતમાં વધુ એક નકલી ઘીનું કારખાનું મળ્યું ઝડપાયું, કુલ 2,11,865 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
સુરત નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં નકલી વસ્તુઓ અવારનવાર ઝડપાઇ રહી છે, ખાવા-પીવાની વસ્તુ હોય કે પાન-મસાલાની. દરેક વસ્તુનું ડુપ્લિકેશન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ લોકો હલકી ગુણવત્તાવાળી વસ્તુ બજારમાં વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે. ત્યારે વધુ એક નકલી ઘી બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે
સુરતના લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ભેળસેળયુક્ત ઘીનું કારખાનું ચાલી રહ્યું હતું. આ કારખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી સામાન જપ્ત કર્યો છે. જેમાં પોલીસે ભેળસેળયુક્ત ઘી 319.54 કિલો, વેજીટેબલ/સોયાબીન ઓઈલ 856 કિલો, એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી સહિત કુલ 2,11,865 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
લસકાણા પોલીસને બાતમીના આધારે લસકાણા ગામમાં આહીર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતું. આજે પોલીસે કાર્યવાહી કરતા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત રીતે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ અલ્પેશ ઇશ્વરભાઇ સાંથલીયા (ઉં.વ.30, રહે. સાંઈનાથ સોસાયટી, કામરેજ ચાર રસ્તા) તરીકે થઈ છે. તે અત્યંત જોખમી રીતે નકલી ઘી બનાવટો હતો. વધુ નફો કમાવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલની ભેળસેળ કરતો હતો. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો હતો. તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજનલ ઘી બનતું, તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે આ નકલી ઘીને તબેલાનું શુદ્ધ ઘી કહીને વેચતો હતો. સામાન્ય રીતે ઘી 1200 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચાતું હોય છે, તે સ્થાનિક નાની દુકાનોમાં માત્ર 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સપ્લાય કરતો હતો. એટલું જ નહીં, જે ગ્રાહકો તેની પાસે દૂધ લેવા આવતા હતા, તેમનો વિશ્વાસ જીતીને તેમને 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે શુદ્ધ ઘીના નામે આ ઝેર આપતો હતો.
સુરત પોલીસે આરોપી અલ્પેશ સાંથલીયાની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા જપ્ત કરાયેલા ઘીના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ નકલી ઘી શહેરની અન્ય કઈ-કઈ દુકાનો કે હોટેલોમાં સપ્લાય કરવામાં આવ્યું છે એ દિશામાં પોલીસ હવે તપાસ હાથ ધરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ખૂબ જ સસ્તા ભાવે મળતી ખાદ્યસામગ્રીની શુદ્ધતા બાબતે સાવચેત રહેવું જોઈએ.
આ અગાઉ પણ સુરતમાં નકલી અમરોલી-કોસાડમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ ચૂંકી છે. 4 ઓક્ટોબરના રોજ અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી અને એનાં ગોડાઉનો પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર પાડેલા આ કૌભાંડમાં 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નકલી ઘી ફેક્ટરીઓને કારણે કેન્સર થવાની પૂરી સંભાવના છે.

