- Gujarat
- ધાબળા તૈયાર રાખજો, આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે
ધાબળા તૈયાર રાખજો, આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે
નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતમાં શીત લહેરનો પ્રભાવ યથાવત રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બર્ફીલા પવનોના કારણે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધુ ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બનશે.
હાલ રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. આ પરિસ્થિતિને કારણે કચ્છનું નલિયા 8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યારે રાજકોટ 9.4 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધારે જોવા મળી રહ્યું છે.
રાજ્યના મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાન:
નલિયા – 8 ડિગ્રી
રાજકોટ – 9.4 ડિગ્રી
ડીસા – 10.8 ડિગ્રી
ભૂજ – 11.2 ડિગ્રી
ગાંધીનગર – 12 ડિગ્રી
પોરબંદર – 13.9 ડિગ્રી
અમદાવાદ – 14 ડિગ્રી
વડોદરા – 14.2 ડિગ્રી
વરસાદ બાબતે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત છે અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે. જોકે, રાત્રિના સમયે પવનની ગતિ વધતા ઠંડીની તીવ્રતા વધુ અનુભવાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પારો 15 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળી શકે છે.

