- National
- 'તારા મરવાથી મારુ 35 લાખનું દેવું ખતમ થઇ જશે...' લોનના બોજથી બચવા પત્નીને ફિનાઈલ પીવડાવી
'તારા મરવાથી મારુ 35 લાખનું દેવું ખતમ થઇ જશે...' લોનના બોજથી બચવા પત્નીને ફિનાઈલ પીવડાવી
સતનામાં આર્થિક લાલચ અને ઘરેલુ હિંસાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પતિએ 35 લાખ રૂપિયાના બેંક લોનથી બચવા માટે પોતાની પત્નીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. એવો આરોપ છે કે, નશામાં ધૂત આરોપીએ ફિનાઇલ ગોળીઓ પીસી અને તેને પાણીમાં મેળવીને તેની પત્નીને તે પીવા માટે દબાણ કર્યું. પીડિતાની ફરિયાદના આધારે, સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશને આરોપી પતિની ધરપકડ કરી અને ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC)ની કલમ 109(2) હેઠળ કેસ નોંધ્યો છે.
સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના બગહાના રહેવાસી અનુરાગ ત્રિપાઠી પર તેની પત્ની પૂર્ણિમા ત્રિપાઠીના નામે 'રૂદા એન્ટરપ્રાઇઝ' નામની ફર્મ નોંધાવવાનો અને તે ફર્મના નામે 35 લાખ રૂપિયાની લોન લેવાનો આરોપ છે. પીડિતાના જણાવ્યા મુજબ, પતિએ લોનની પુરેપુરી રકમનો ઉપયોગ પોતાની પર જ કર્યો હતો, જ્યારે આ લોનની કાનૂની જવાબદારી તેની પત્ની પર છોડી દીધી હતી.
પીડિતાએ પોલીસને જણાવ્યું કે, 28 ડિસેમ્બરની રાત્રે, તેનો પતિ દારૂ પીને ઘરે આવ્યો અને તેની સાથે મારપીટ કરી હતી, જેના કારણે તેના ચહેરા અને મોં પર ગંભીર ઈજાઓ થઈ. બીજા દિવસે, 29 ડિસેમ્બરના રોજ, સવારે લગભગ 10:30 વાગ્યે, ઝઘડો ફરી વધ્યો. એવો આરોપ છે કે, અનુરાગ ત્રિપાઠીએ બાથરૂમમાં રાખેલી ફિનાઈલ ગોળીઓ પીસી નાખી અને તેને પાણીમાં ભેળવી દીધી અને તેને પીવા માટે પત્ની પર દબાણ કર્યું હતું. પીડિતા કહે છે કે, તેના પતિએ તેને કહ્યું, 'તારા મૃત્યુ પછી 35 લાખ રૂપિયાનું દેવું માફ થઇ જશે.'

ફિનાઈલ યુક્ત પાણી પીધા પછી, પૂર્ણિમાની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તે સતત ઉલટીઓ કરવા લાગી. ભાનમાં આવ્યા પછી, તેણે તેના પિતાને ફોન કરીને આ ઘટના વિશે જાણ કરી હતી. પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને તાત્કાલિક બિરલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની સારવાર કરવામાં આવી.
પીડિતાએ જણાવ્યું કે, તેનો પતિ લગ્ન પછીથી જ તેના પર સતત શારીરિક અને માનસિક શોષણ કરતો હતો. તેણે અગાઉ જાસો પોલીસ સ્ટેશનમાં મારપીટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ પોલીસને તેને અગાઉ થયેલી ઈજાઓના ફોટોગ્રાફ્સ પણ આપ્યા હતા.
પોલીસે આરોપી પતિ, અનુરાગ ત્રિપાઠી જેના પિતાનું નામ સોહન ત્રિપાઠી છે, (રહે. પિંડરા, મઝગવાં પોલીસ સ્ટેશનનો વતની છે)તેની ધરપકડ કરી છે. આ કેસ ગંભીર હોવાથી, વિગતવાર તપાસ ચાલી રહી છે.

