- Business
- શેરબજારમાં કડાકો: એક જ ઝટકામાં 10 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 1000 પોઈન્ટ ગગડ્યો
શેરબજારમાં કડાકો: એક જ ઝટકામાં 10 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 1000 પોઈન્ટ ગગડ્યો
ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ભારે કડાકો જોવા મળ્યો. મંગળવારે સેન્સેક્સ 1065 પોઈન્ટ ગગડીને 82,180.47 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 353 પોઈન્ટ ગગડીને 25,232.50 પર બંધ થયો. નિફ્ટી બેંકમાં 487 પોઈન્ટનો ઘટાડો નોંધાયો. જોકે, ઇન્ટ્રાડે દરમિયાન, સેન્સેક્સ 1200 પોઈન્ટ અને નિફ્ટી 400 પોઈન્ટ ગગડ્યા હતા. આ તેજ ઘટાડાને કારણે મંગળવારે એક જ ઝટકામાં રોકાણકારોના 10.12 લાખ કરોડ સ્વાહા થઈ ગયા.
BSEના ટોચના 30 શેરોમાંથી HDFC બેંક સિવાયના તમામ 29 શેરોમાં ઘટાડો થયો. ઝોમેટોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જે 4% થી વધુ ઘટ્યો. ત્યારબાદ, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા, ઇન્ડિગો, રિલાયન્સ અને TCS જેવા શેરોમાં પણ ઘટાડો થયો. સોમવારે, BSE માર્કેટ કેપિટલાઇઝેશન 465.68 લાખ કરોડ રૂપિયા હતું, પરંતુ આજે તે ઘટીને 455.72 લાખ કરોડ રૂપિયા થયું. આ એક જ દિવસમાં 10.12 લાખ કરોડનું નુકસાન થયું છે.
NSE પર બધા ક્ષેત્રો લાલ નિશાનમાં બંધ થયા. રિયલ એસ્ટેટ ક્ષેત્ર 5 ટકાથી વધુ ઘટાડો આવ્યો છે. ત્યારબાદ, ઓટો ક્ષેત્ર 2.50 ટકા, નાણાકીય ક્ષેત્ર 1.4 ટકા સહિત અન્ય ક્ષેત્રોમાં પણ લગભગ 1 ટકાનો ઘટાડો થયો.
શેરબજારમાં શા માટે ઘટાડો થયો?
મંગળવારે IT શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. રોકાણકારોએ આ શેરોનું જબરદસ્ત વેચાણ કર્યું, જેના કારણે બેન્ચમાર્ક 2 મહિનાથી વધુ સમયગાળામાં તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો. વિપ્રોના શેર 3 ટકા ગગડ્યા, અને LTIMindtreeના શેર 6 ટકા ગગડ્યા.
નવા ટેરિફના ડરને કારણે વૈશ્વિક ભાવના પર અસર પડી છે અને વૈશ્વિક બજારમાં ટ્રેડ વૉરનું જોખમ વધ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર વધુ અમેરિકન નિયંત્રણ સ્થાપિત કરવાના પ્રયાસમાં 8 EU સભ્ય દેશો પર નવા ટેરિફની ચીમકી આપી છે. તો ફ્રાન્સે 200% ટેરિફ લાદવાની ચીમકી આપી છે.
વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીથી બજારના સેન્ટિમેન્ટ પર દબાણ બન્યું, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સતત દસમા સત્રમાં ચોખ્ખી વેચવાલી કરી. સોમવારે FIIએ લગભગ 3,263 કરોડ રૂપિયાના ઇક્વિટી વેચ્યા.
રોકાણકારો સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં ભારે રોકાણ કરી રહ્યા છે. મંગળવારે સોનાનો ભાવ પહેલી વાર પ્રતિ ઔંસ 4,700 ડોલરને વટાવી ગયો, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન સહયોગીઓ પર વધારાના ટેરિફ લાદવાની ચીમકી આપ્યા બાદ ચાંદી રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ગઈ.

