- Business
- કંગાળ પાકિસ્તાન પાસેથી ટ્રમ્પ મદદ કેમ માંગી રહ્યા છે? શું USની નજર સોનાના ખજાના જેવા 'રેકો દિક' પર છ...
કંગાળ પાકિસ્તાન પાસેથી ટ્રમ્પ મદદ કેમ માંગી રહ્યા છે? શું USની નજર સોનાના ખજાના જેવા 'રેકો દિક' પર છે?
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટેરિફ હુમલાઓ દ્વારા વિશ્વને ડરાવી દીધું છે અને પોતાનું વર્ચસ્વ દેખાડ્યું છે. જ્યારે, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા, યુનાઇટેડ સ્ટેટ્સ, હવે કેટલાક મુદ્દાઓ પર ગરીબ પાકિસ્તાન પાસેથી મદદ માંગી રહ્યું હોય તેવું લાગે છે. એક અહેવાલ મુજબ, USએ લોકોમોટિવ વેચાણ અને ખનિજ સંશોધન પર પાકિસ્તાનનો સહયોગ માંગ્યો છે. રિપોર્ટમાં સૂત્રોનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે, US અધિકારીઓએ આવશ્યક ખનિજોના મામલે પાકિસ્તાનના સહયોગને ટોચની પ્રાથમિકતા ગણાવી છે.
પાકિસ્તાન, જે પોતે એક મોટા આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, તે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)થી લઈને, દરેક વૈશ્વિક સંસ્થાઓ અને મિત્ર દેશોએ મદદ કરી હોવા છતાં ગંભીર મુશ્કેલીમાં મુકાયેલું છે. પરંતુ આમ છતાં, યુનાઇટેડ સ્ટેટ્સ જેવો દેશ પાકિસ્તાન પાસેથી સહાય માંગી રહ્યો છે. USના એક સ્થાનિક અખબારના સૂત્રોએ પાકિસ્તાની સરકારી સૂત્રોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના US વહીવટીતંત્રે અમેરિકન લોકોમોટિવના વેચાણ અને ખનિજ સંશોધનમાં સહયોગ માટે પાકિસ્તાનનો સંપર્ક કર્યો છે, જેમાં શોધખોળને વેગ આપવા માટેના કરારોનો સમાવેશ થાય છે.
મળતા અહેવાલ મુજબ, સરકારી સૂત્રોએ દાવો કર્યો છે કે, ગયા ઓક્ટોબરમાં પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન IMFની વાર્ષિક બેઠકમાં આ બાબત પર ચર્ચા થઈ હતી. ત્યારથી પાકિસ્તાની અધિકારીઓએ પરિવહન અને ખનિજ ક્ષેત્રોમાં અમેરિકાના રસનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું. મુહમ્મદ ઔરંગઝેબે આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધો માટે અમેરિકન રાષ્ટ્રપતિના વિશેષ સહાયક રેમન્ડ એમરી કોક્સ અને દક્ષિણ અને મધ્ય એશિયા માટે વરિષ્ઠ નિર્દેશક રિકી ગિલ સાથે મુલાકાત કરી. સૂત્રોનો દાવો છે કે, બેઠક દરમિયાન ગિલે અગાઉ બહાર પાડવામાં આવેલા ટેન્ડર હેઠળ અમેરિકન લોકોમોટિવ ખરીદવા માટે પાકિસ્તાનનો ટેકો માંગ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને અગાઉ અમેરિકા પાસેથી 55 લોકોમોટિવ ખરીદ્યા હતા.
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમેરિકાએ વેપારને સરળ બનાવવા માટે પ્રસ્તાવિત 5 ટકા ડિજિટલ સેવા કર પાછો ખેંચવાના પાકિસ્તાનના નિર્ણયની પણ પ્રશંસા કરી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, US અધિકારીઓએ મહત્વપૂર્ણ ખનિજોમાં સહકારને મુખ્ય પ્રાથમિકતા ગણાવી હતી. મળતા અહેવાલો અનુસાર, US કોંગ્રેસે મહત્વપૂર્ણ ખનિજોમાં વૈશ્વિક રોકાણને પ્રોત્સાહન આપવા માટે 135 બિલિયન ડૉલર ફંડની સ્થાપના કરી છે, જ્યારે US એક્ઝિમ બેંકે બલુચિસ્તાનમાં સોનાની ખાણ કહેવાતા રેકો ડિકમાં ખાણકામ કંપની માટે 1.25 બિલિયન ડૉલરની લોનને મંજૂરી પણ આપી છે.
એક અલગ બેઠકમાં, US સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઓફ ઇકોનોમિક, એનર્જી અને બિઝનેસ અફેર્સના વરિષ્ઠ અધિકારી થોમસ લેસ્ટને પાકિસ્તાનના મહત્વપૂર્ણ ખનિજ ક્ષેત્રમાં વોશિંગ્ટનના રસનો પુનરોચ્ચાર કર્યો. તેમણે નિષ્કર્ષણને વેગ આપવા માટે રિઝર્વ એસેસમેન્ટ અને ઓફટેક એગ્રીમેન્ટ પર સહયોગનો પ્રસ્તાવ મૂક્યો, અને કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) અમેરિકા માટે વ્યૂહાત્મક પ્રાથમિકતા હશે.
ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ નજીક સ્થિત પાકિસ્તાન રેકો ડિક ખાણ અંગે એક સમાચાર એજન્સીના જુના અહેવાલ મુજબ, બલુચિસ્તાનના ચગાઈ જિલ્લામાં રેકો ડિકમાં લાખો ટન સોનું અને તાંબુનો ભંડાર છે. એક અંદાજ મુજબ, તેમાં આશરે 590 કરોડ ટન ખનિજ ભંડાર છે. પ્રતિ ટન ખનિજ ભંડારમાંથી, આશરે 0.22 ગ્રામ સોનું અને આશરે 0.41 ટકા તાંબુ મળી શકે છે. જ્યારે 1995માં રેકો ડિકનું પ્રથમ વખત ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે માત્ર ચાર મહિનામાં જ 200 કિલો સોનું અને 1,700 ટન તાંબુ કાઢવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે, અહીં હાજર સોનાની અંદાજિત કિંમત લગભગ 2 ટ્રિલિયન ડૉલર હોઈ શકે છે.
આટલું જ નહીં, 2022ના બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું છે કે, રેકો ડિક વિશ્વના સૌથી મોટા અવિકસિત તાંબા અને સોનાના ભંડારોમાંનો એક છે, જે અડધી સદીથી 200,000 ટન તાંબુ અને 250,000 ઔંસ સોનું ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને બેરિક અને એન્ટોફાગાસ્ટા PLCને તેના વિકાસ માટે લાઇસન્સ આપવાનો ઇનકાર કર્યા પછી 2011માં રેકો ડિક ખાણકામ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો. ત્યારથી આ વિવાદ ચાલુ છે.

