- Business
- Zoho ફાઉન્ડરે સમજાવ્યું કેમ PM મોદી ભારતીયોને વિદેશ પ્રવાસ અને સોનું ન ખરીદવા અપીલ કરી રહ્યા છે?
Zoho ફાઉન્ડરે સમજાવ્યું કેમ PM મોદી ભારતીયોને વિદેશ પ્રવાસ અને સોનું ન ખરીદવા અપીલ કરી રહ્યા છે?
એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકાના મજબૂત દરે નોંધાયો છે. તેમ છતાં, જાણીતી આઈટી કંપની Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુનું માનવું છે કે માત્ર ઊંચા આર્થિક વિકાસ દરનો અર્થ એ નથી કે દેશે વિદેશી હુંડિયામણ બચાવવાનું બંધ કરી દેવું જોઈએ. ભારત આટલી ઝડપથી આર્થિક પ્રગતિ કરી રહ્યું હોવા છતાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શા માટે દેશવાસીઓને બિનજરૂરી રીતે સોનું ન ખરીદવા, વિદેશ પ્રવાસે ન જવા કે વિદેશમાં ગ્રાન્ડ વેડિંગ ન યોજવા અપીલ કરી રહ્યા છે? આ સવાલના જવાબમાં શ્રીધર વેમ્બુએ સોશિયલ મીડિયા પર ઊંડાણપૂર્વક સ્પષ્ટતા કરી હતી.


તેમણે લખ્યું, જો આપણો અર્થતંત્ર 7.8 ટકાના દરે વધી રહ્યો હોય, તો પ્રધાનમંત્રી આપણને વિદેશ જવાની, સોનું ખરીદવાની કે વિદેશમાં લગ્ન યોજવાની મનાઈ શા માટે કરી રહ્યા છે?
આયાત પર નિર્ભરતા અને વિદેશી હુંડિયામણનું મહત્ત્વ
શ્રીધર વેમ્બુના મતે, આ પાછળનું મુખ્ય કારણ ભારતની વિદેશી આયાત પરની સતત નિર્ભરતા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત હજુ પણ એનર્જી અને એડવાન્સ ટેક્નોલોજી માટે વિદેશી સપ્લાય પર આધાર રાખે છે. જેમ જેમ આપણું અર્થતંત્ર વધુ ઝડપથી વધશે, તેમ તેમ આ વસ્તુઓની જરૂરિયાત પણ વધવાની છે.
આવી સ્થિતિમાં વિદેશી હુંડિયામણની બચત કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. સોના જેવી આયાતી વસ્તુઓ પાછળ થતો ખર્ચ અથવા વિદેશ પ્રવાસ અને લગ્નો જેવા આયોજનો પાછળ વપરાતું નાણું દેશની બહાર જતું રહે છે. વેમ્બુનું કહેવું છે કે ભારતે નિકાસ દ્વારા કમાયેલા વિદેશી હુંડિયામણ અને આ પ્રકારના વિદેશી ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે.
વેમ્બુએ વધુમાં જણાવ્યું કે ભારતની નિકાસ ચોક્કસ વધી રહી છે, પરંતુ ખુદ નિકાસ કરવા માટે પણ દેશે આયાતી ટેક્નોલોજી પર આધાર રાખવો પડે છે. ભારતે હજુ પણ પ્રિસિઝન મશીનરી, રો મટીરિયલ્સ, CPU, GPU અને એડવાન્સ સોફ્ટવેર જેવી સાધનસામગ્રી બહારના દેશોમાંથી આયાત કરવી પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો, માત્ર નિકાસ વધારી દેવાથી વિદેશી ટેક્નોલોજી પરની આપણી નિર્ભરતા ખતમ નથી થઈ જતી. આ તમામ ક્ષમતાઓ સ્થાનિક સ્તરે વિકસાવવામાં સમય લાગશે, કદાચ દાયકાઓ પણ નીકળી જાય.
તેમણે ભારતની વર્તમાન સ્થિતિની સરખામણી જાપાન, તાઈવાન, દક્ષિણ કોરિયા અને ત્યારબાદ ચીન સાથે કરી હતી. તેમણે કહ્યું કે આ દેશોએ જ્યારે ટેક્નોલોજીકલ અને ઔદ્યોગિક ક્ષમતાઓ ઊભી કરી, ત્યારે ખૂબ જ ઝડપી આર્થિક વિકાસ દર હોવા છતાં પણ તેમણે વિદેશી હુંડિયામણની ભારે બચત કરી હતી.
વેમ્બુએ નોંધ્યું, પૂર્વ એશિયાના દેશોને પશ્ચિમી દેશોની હરોળમાં આવતા કેટલો સમય લાગ્યો તે જુઓ. તેમની અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી વધી રહી હતી, છતાં તેઓ વિદેશી હુંડિયામણ સાચવવા માટે ભારે મહેનત કરી રહ્યા હતા. ભારતે આ દિશામાં શરૂઆત કરી દીધી છે, પરંતુ એડવાન્સ ટેક્નોલોજી વિકસાવવા અને દેશમાં જ ઉત્પાદિત રિન્યુએબલ એનર્જી દ્વારા ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવવામાં હજુ સમય લાગશે. એકવાર આપણે આ તમામ ક્ષેત્રોમાં સક્ષમ થઈ જઈશું, પછી આપણે વિદેશી હુંડિયામણ સાચવવાની જરૂર રહેશે નહીં.

શ્રીધર વેમ્બુએ ભારતની સ્થિતિને એક ઝડપથી ગ્રોથ કરતી કંપની સાથે સરખાવી હતી, જેને નવા રોકાણ માટે મૂડી સાચવવી પડતી હોય છે. તેવી જ રીતે, ભારતને પણ વિદેશથી મગાવવી પડતી ટેક્નોલોજી અને ઊર્જા ક્ષમતાઓ દેશમાં જ વિકસાવવા માટે વિદેશી હુંડિયામણની બચત કરવી અનિવાર્ય છે.
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના GDPના આંકડાનું સ્વાગત કરતા દેશવાસીઓને ફરી એકવાર 'આત્મનિર્ભર ભારત' બનાવવાનો સંકલ્પ શક્તિશાળી કરવા આગ્રહ કર્યો હતો.
કિર્ગિસ્તાનથી જાહેર કરેલા એક ઈન્સ્ટાગ્રામ વિડિયોમાં PM મોદીએ કહ્યું હતું, દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. 7.8 ટકાના ગ્રોથ રેટથી દેશમાં ખુશીની લહેર છે. હું દેશવાસીઓની સંકલ્પશક્તિ અને સખત મહેનતને નમન કરું છું, આ આપણી સામુહિક શક્તિનું પરિણામ છે. પ્રધાનમંત્રીએ કોવિડ-19 મહામારી પછીના સમયગાળામાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધો, ખોરવાયેલી સપ્લાય ચેઈન અને અસ્થિરતા વચ્ચે પણ ભારતની મજબૂત આર્થિક પ્રગતિ તરફ ઈશારો કર્યો હતો.

