- Central Gujarat
- ઉનાળુ વેકેશન માટે GSRTCની રોજ 1400 એકસ્ટ્રા બસ મૂકાશેઃ હર્ષ સંઘવી
ઉનાળુ વેકેશન માટે GSRTCની રોજ 1400 એકસ્ટ્રા બસ મૂકાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ ફેસબૂક પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની માંગણીને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યના મુસાફરોના વિશાળ હિતને ધ્યાને રાખી ઉનાળુ વેકેશન-2023 દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી મુસાફરોની માંગણી અનુસાર રાજ્યના જુદા-જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, વેકેશન સમય દરમિયાન નિગમ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવી રાજ્યની મુસાફર જનતાને સારી, ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર તરફ, સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ, ગીરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, સાપુતારા, દીવ અને કચ્છ જેવા પ્રવાસન સ્થળો ખાતે પણ બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ, સુન્ધા માતા અને મહારાષ્ટ્રમાં શિરડી, નાશીક, ધુલીયા જેવા આંતર રાજ્ય સ્થળોએ પણ મુસાફર જનતા માટે પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. જેનો મુસાફર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

