- Gujarat
- ગુજરાત પોલીસ સ્માર્ટ બની, કોન્સ્ટેબલોએ AI-ડ્રોનથી પકડ્યો 1.9 કરોડનો ગાંજો: હર્ષ સંઘવી
ગુજરાત પોલીસ સ્માર્ટ બની, કોન્સ્ટેબલોએ AI-ડ્રોનથી પકડ્યો 1.9 કરોડનો ગાંજો: હર્ષ સંઘવી
સુરત: કાયદા-વહીવટના ભવિષ્યની ઝાંખી કરાવતી એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગુજરાતના પછાત અને આદિવાસી વિસ્તાર દાહોદ જિલ્લાના પોલીસ દળે મેળવી છે. તેમણે એઆઈ-સક્ષમ ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરીને છુપાયેલા નશાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં લગભગ ₹1.9 કરોડના નશાકારક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા, જે ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે.
ડે. સીએમ. હર્ષ સંઘવીએ જણાવ્યું કે "આ પહેલીવાર છે કે દેશમાં એઆઈ આધારિત ડ્રોનની મદદથી નશાનું વાવેતર શોધાયું છે—આવું કામ હજુ સુધી અદ્યતન ટેક-સિટી ગણાતા શહેરોમાં પણ શક્ય બન્યું નથી."
તેમણે આ નિવેદન દેશભરમાં એઆઈ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે, IndiaAI Mission (MeitY) દ્વારા ગુજરાત સરકાર અને IIT ગાંધીનગર સાથે મળી 11 ડિસેમ્બર 2025ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે પ્રી-સમિટ ઇવેન્ટમાં આપ્યું છે.
તેમણે વધુમાં કહ્યું, “ગુજરાત સુરક્ષાનું એવું મોડલ બનાવી રહ્યું છે, જેમાં ટેક્નોલોજી મુખ્ય આધાર છે. દાહોદની સિદ્ધિ સાબિત કરે છે કે ઇનોવેશન અને કમિટમેન્ટ મળે ત્યારે પોલીસિંગ વધુ સ્માર્ટ અને અસરકારક બને છે.”

દાહોદમાં શું કરાયું?
અગાઉ, જંગલ અને પહાડી વિસ્તારમાં છુપાયેલા ગેરકાયદેસર વાવેતરને ઓળખવી પોલીસ માટે મુશ્કેલ હતી. ડ્રોન કેમેરાથી દૂરથી લેવાયેલી તસવીરોમાં ભીંડા, તુવેર અથવા સપ્તપર્ણી જેવા છોડ પણ ગાંજા જેવા દેખાતા.
આ પડકારને દૂર કરવા દાહોદ પોલીસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આધારિત એક સિસ્ટમ વિકસાવી. આ સિસ્ટમ ડ્રોન દ્વારા લેવાયેલી તસવીરોમાં ગાંજાના છોડને અન્ય છોડથી અલગ કરી દે છે. બોટની વિશેષજ્ઞો જે રીતે છોડની ઓળખ કરે છે તે પ્રમાણે, પોલીસ ટીમે ઓપન અને વિશ્વસનીય ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ સોફ્ટવેર તૈયાર કર્યું.
ડ્રોન જ્યારે ખેતી વિસ્તાર કે જંગલ પરથી પસાર થાય છે ત્યારે એઆઈ સિસ્ટમ ગાંજાના છોડને પીળા રંગથી હાઇલાઇટ કરી દે છે . એક વર્ષની મહેનત બાદ સિસ્ટમ હવે 80% ચોકસાઈ સાથે કાર્ય કરે છે. 2024થી અત્યાર સુધી, તે આઠ છુપાયેલા પ્લાન્ટેશન શોધવામાં સફળ રહી છે.
જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું, “અગાઉ અધિકારીઓને સ્થળે જઈને છોડની ઓળખ કરવી પડતી હતી, જેમાં જોખમ વધુ હતું. એઆઈએ આખી સ્થિતિ બદલી નાખી.”
આ સિદ્ધિની સૌથી વિશેષ વાત એ છે કે ડ્રોન સિસ્ટમ ચલાવનારા મોટાભાગના કોન્સ્ટેબલ સ્થાનિક આદિવાસી પરિવારોમાંથી આવે છે. આજે તેઓ અદ્યતન ટેકનોલોજીનો આત્મવિશ્વાસથી ઉપયોગ કરી રહ્યા છે.

