- Education
- શિક્ષકોનો ભારેખમ પગાર છતા 35964 જેટલા વિદ્યાર્થીઓ વાંચન-લેખન તથા ગણિતમાં નબળા
શિક્ષકોનો ભારેખમ પગાર છતા 35964 જેટલા વિદ્યાર્થીઓ વાંચન-લેખન તથા ગણિતમાં નબળા
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું મસ મોટું બજેટ અને શિક્ષકોનો ભારેખમ પગાર છતાં શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતાં બાળકોના શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે. હાલમાં કરેલા ગુણોત્સવમાં સમિતિના 35964 જેટલા વિદ્યાર્થીઓ વાંચન-લેખન તથા ગણિતમાં નબળા હોવાનું બહાર આવ્યું છે.
આવી ગંભીર ક્ષતિ બહાર આવતાં સરકારે મિશન વિદ્યા હેઠળ આવા વિદ્યાર્થીઓને એક કલાક વધારાનું શિક્ષણ આપવાનો નિર્ણય કરાયો છે. આજથી 31 ઓગષ્ટ સુધી આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ધો. 6થી 8ના શિક્ષકોએ ફરજ્યાત કામગીરી કરવી પડશે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત રાજ્યની તમામ શિક્ષણ સમિતિમાં ગુણોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે જે આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. ચોંકાવનારા આ આંકડા જોઈને રાજ્ય સરકારે નબળા વિદ્યાર્થીઓને હોશિયાર બનાવવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે.
23 જુલાઈથી 31 ઓગષ્ટ સુધી મુલ્યાંકનામાં નબળા સાબિત થયેલા વિદ્યાર્થીઓને વધારાનું શિક્ષણ અપાશે. સુરતમાં ધો. 6થી 8માં વાંચનમાં નબળા 9206, લેખનમાં 13022 અને ગણિતમાં 13756 વિદ્યાર્થી નબળા છે.
આવા બનળા વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થી જેવા બનાવવા માટે સરકારે મિશન વિદ્યા અભિયાન શરૂ ક્રર્યું છે. જેમાં આવતીકાલથી 31 ઓગષ્ટ સુધી વિદ્યાર્થીઓને શાળા સમય કરતાં વધુ એક કલાક શિક્ષણ આપવાનું રહેશે.
ધો. 6થી 8ના નબળા વિદ્યાર્થીઓને ધો. 6થી 8ના શિક્ષકો દ્વારા અક્ષરજ્ઞાન આપવામાં આવશે. ત્યાર બાદ પંદર પંદર દિવસે આ વિદ્યાર્થીઓનું મુલ્યાંકન પણ થશે. 31 ઓગષ્ટ પછી થર્ડપાર્ટી દ્વારા ફરી ઈન્સપેક્શન કરવામાં આવશે.
સરકારના આ અભિયાન માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક કલાક વધારાનો ભરવાનો હોવાથી ગણગણાંટ સંબળાઈ રહ્યો છે કે, વિદ્યાર્થીઓની આ સ્થિતિ માટે શિક્ષકો પણ જવાબદાર હોવાથી તેમણે વધારાની કામગીરી કરવી પડશે.
સવારની પાળીમાં શૈક્ષણિક કર્યા પૂરું થાય પછીને એક કલાક જ્યારે બપોરની પાળીમાં શૈક્ષણિક કામગીરી શરૂ થાય તે પહેલાનો એક કલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભણાવવા પડશે. 31 ઓગસ્ટ સુધી ચાલનારા મિશન વિદ્યા હેઠળ કેટલા વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર ઉંચું આવશે તે તો થર્ઢ પાર્ટી ઈન્સ્પેક્શન પછી જ ખબર પડશે.
આગામી દિવસોમાં યોજનામાં 1થી 5 ધોરણ પણ આવરી લેવાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધો. 6, 7 અને 8ના 35964 વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણિતમાં તદ્દન કાચા છે તેમને મિશન વિદ્યા હેઠળ એક કલાક વધારાનું શિક્ષણ આપવામાં આવશે.
આ અંગે સમિતિ અધ્યક્ષ હસમુખ પટેલ કહે છે, આ બાળકોને વધારાનું શિક્ષણ આપીને અન્ય વિદ્યાર્થીઓ સાથે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓનો પાયો નબળો હોવાથી પાયો સુધારવા માટે આગામી દિવસોમાં ધો. 1થી 5માં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, આવતીકાલ સોમવારે તો ધો. 6થી 8ના વિદ્યાર્થી અને શિક્ષકો માટે જ મિશન વિદ્યા હેઠળ કામગીરી કરવાની રહેશે.

