- Gujarat
- સુરતને બે વર્ષની રાહ બાદ મળ્યા પ્રથમ મહિલા BRTS પાઇલટ: 'પિંક બસ' દોડશે
સુરતને બે વર્ષની રાહ બાદ મળ્યા પ્રથમ મહિલા BRTS પાઇલટ: 'પિંક બસ' દોડશે
સુરત મહાનગરપાલિકા (SMC)ની 'પિંક બસ' (જેમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરે છે) માટે બે વર્ષથી વધુની લાંબી શોધખોળ બાદ આખરે પ્રથમ મહિલા પાઇલટ મળી ગઈ છે. આ બસનું સંચાલન કરતી કંપનીને ઈન્દોરના વતની નિશા શર્માના રૂપમાં મહિલા બસ ચાલક મળી છે.
આજે, 20 નવેમ્બર, ગુરુવારે, ONGC કોલોની BRTS સ્ટેશન ખાતે સવારે 11 વાગ્યે આ પ્રથમ મહિલા પાઇલટની 'ફ્લેગ ઓફ' સેરેમની યોજાશે.
નિશા શર્માનું હિંમતભર્યું પગલું: 'પિંક બસ'નું સ્ટેરિંગ લીધું હાથમાં
દિવાળીના તહેવાર પહેલાં જ નિશા શર્માએ હિંમતભેર નિર્ણય લીધો કે, તેઓ સુરતમાં BRTS ડ્રાઈવર તરીકે ફરજ બજાવશે. પોતાના મજબૂત ડ્રાઇવિંગ અનુભવ અને લાઇસન્સને કારણે નિશા BRTSના તમામ માપદંડોમાં સફળતાપૂર્વક ખરી ઉતરી હતી. એક મહિનાની સઘન તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમને ઓનબોર્ડ કરવામાં આવ્યા છે. નિશા શર્મા એક સિંગલ મધર છે અને તેમના પરિવારમાં તેમની માતા અને બે બાળકો છે, જે હાલ ઈન્દોરમાં છે. આ પડકાર છતાં તેમણે સુરતમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવવાનો હિંમતભેર નિર્ણય લીધો. હાલમાં નીશા ₹22,000ના પગાર પર ફરજ બજાવી રહ્યાં છે. નિશા શર્માનું આ પગલું મહિલાઓ માટે જાહેર પરિવહનના ક્ષેત્રમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરે છે.
આજથી દોડશે ગુજરાતની પ્રથમ 'પિંક BRTS બસ'
સુરત મહાનગરપાલિકાએ 20 મહિના પૂર્વે શહેરમાં પિંક BRTS બસ દોડાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મહિલા પાઇલટના અભાવે તે શરૂ થઈ શકી નહોતી. હવે મહિલા ચાલક મળતાં, આજથી ગુજરાતની પહેલી પિંક BRTS બસ સુરતનાં રસ્તાઓ પર દોડતી નજરે પડશે.
આ બસમાં મહિલા ચાલક નિશા શર્માની સાથે મહિલા કન્ડકટર પણ હશે. આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે. પહેલો રૂટ ONGCથી સરથાણા સુધીનો રહેશે, જેનું આજે લોન્ચિંગ થશે.
મહિલા ઉત્થાન માટે નવતર પ્રયોગો
મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓ અને યુવતીઓ માટે માસ ટ્રાન્સપોર્ટેશન પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પિંક બસનો આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. પિંક બસ ઉપરાંત, SMC દ્વારા મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે એક વર્ષ પહેલાં પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં 47 મહિલાઓને રોજગારી મળી હતી. પહેલી મહિલા પાઇલટ મળ્યાં બાદ, જો વધુ મહિલા પાઇલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારવામાં આવશે. તંત્ર માત્ર 'પિંક બસ' જ નહીં, પણ સામાન્ય BRTS બસ પણ મહિલા ડ્રાઇવરો ચલાવે તે માટે તૈયાર છે.

