- National
- ‘અમે તમારી બાબતે તૈયાર ફેક વીડિયોને જોયો છે..; જાણો કયા મામલે CJIએ આમ કહ્યું?
‘અમે તમારી બાબતે તૈયાર ફેક વીડિયોને જોયો છે..; જાણો કયા મામલે CJIએ આમ કહ્યું?
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા નકલી વીડિયોથી વાકેફ છે. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ (CJI BR ગવઈ)એ જણાવ્યું હતું કે તેમણે અને તેમના સાથી જજ જસ્ટિસ વિનોદ ચંદ્રને પણ પોતાની બાબતે બનાવેલા નકલી વીડિયો જોયા છે. ન્યાયતંત્રમાં AIના ઉપયોગ અંગે યોગ્ય નિયમોની માગ કરતી અરજીની સુનાવણી દરમિયાન આ ચર્ચા થઈ હતી.
માનવામાં આવી રહ્યું છે કે, મુખ્ય ન્યાયાધીશ તેમના પર ફેંકવામાં આવેલા શૂઝના નકલી વીડિયો બાબતે કહી રહ્યા હતા. નોંધનીય છે કે 6 ઓક્ટોબર 2025ના રોજ સવારે લગભગ 11:35 વાગ્યે એક વકીલે મુખ્ય ન્યાયાધીશ પર શૂઝ ફેંક્યા હતા, પરંતુ તે તેમના સુધી પહોંચ્યા નહોતા. આ ઘટનાનો કોઈ સ્પષ્ટ વીડિયો નહોતો, પરંતુ પાછળથી સોશિયલ મીડિયા પર એક નકલી વીડિયો વાયરલ થયો હતો જેમાં મુખ્ય ન્યાયાધીશ પાસેથી શૂઝ પસાર થતું જોવા મળે છે.
સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયા બાદ અરજીની સુનાવણી માટે સમય નક્કી કર્યો છે. આ મહિને નિવૃત્ત થઈ રહેલા મુખ્ય ન્યાયાધીશ ગવઈએ સંકેત આપ્યો હતો કે તેઓ આ કેસની સુનાવણી કરવા માગતા નથી. તેમણે અરજદાર કાર્તિકેય રાવલનું પ્રતિનિધિત્વ કરતા વકીલને પૂછ્યું કે, ‘તમે શું ઇચ્છો છો? શું હું અરજી ફગાવી દઉં કે બે અઠવાડિયા બાદ તેની સુનાવણી માટે સમય નક્કી કરવો જોઈએ?’
અરજીમાં કહેવાયું છે કે, કોર્ટ હવે પોતે AIનો ઉપયોગ કરે છે, પરંતુ આ ઉપયોગ સકારાત્મક કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે. કોર્ટે પણ AIના જોખમો તરફ ધ્યાન આપવું જોઈએ. જનરેટિવ AI ઉપલબ્ધ આંકડાઓની પોતે વિશ્લેષણ કરીને તારણો કાઢે છે. આ ટેક્નોલોજી ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી ઉત્પન્ન કરે તેવી શક્યતા છે. તેના દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતીમાં પારદર્શિતાનો અભાવ છે અને તે પક્ષપાતી પણ હોઈ શકે છે.
અરજદારે માગ કરી છે કે કોર્ટ AI ટેક્નોલોજીના ઉપયોગ માટે માર્ગદર્શિકા નક્કી કરે, જેથી ખોટી અથવા ગેરમાર્ગે દોરતી AI સામગ્રી ન્યાયિક પ્રક્રિયાને અસર ન કરે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોર્ટ કાર્યવાહીના મોર્ફ કરેલા વીડિયો ન્યાયતંત્રની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી શકે છે અને લોકોમાં ખોટી છાપ ઉભી કરી શકે છે.

