- Politics
- ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો
2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને સૌથી મોટો હિસ્સો મળ્યો. શાસક પક્ષને 757 કરોડ મળ્યા, જે ટ્રસ્ટના કુલ ફંડના લગભગ 83% છે, જ્યારે કોંગ્રેસને 77.3 કરોડ રૂપિયા મળ્યા હતા.
NDTVના અહેવાલ મુજબ, ટાટા ગ્રુપના પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ (PET)એ લોકસભા ચૂંટણી દરમિયાન 10 રાજકીય પાર્ટીઓને કુલ 914 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. ભારતીય ચૂંટણી પંચ (ECI)ને આપવામાં આવેલી માહિતી અનુસાર, કોંગ્રેસને 77.3 કરોડ રૂપિયા મળ્યા હતા, જે PETના કુલ રાજકીય ફંડના માત્ર 8.4% છે.
ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત, PETએ તૃણમૂલ કોંગ્રેસ (TMC), YSR કોંગ્રેસ પાર્ટી, શિવસેના, બીજુ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), જનતા દળ (યુનાઇટેડ) અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને દરેકને 10-10 કરોડ રૂપિયા આપ્યા હતા.
અહેવાલ મુજબ, PETનું ફંડ પૂરી રીતે ટાટા ગ્રુપની 15 કંપનીઓ પાસેથી આવ્યું હતું. સૌથી વધુ હિસ્સો આપનારાઓમાં ટાટા સન્સ (308 કરોડ રૂપિયા), ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (217 કરોડ રૂપિયા) અને ટાટા સ્ટીલ (173 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે. બાકીનો હિસ્સો ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને અન્ય કંપનીઓ તરફથી આવ્યા હતા.
કોંગ્રેસે પોતાના વાર્ષિક કન્ટ્રિબ્યૂશન અહેવાલમાં 2024-25 દરમિયાન 517.37 કરોડ રૂપિયા પ્રાપ્ત થયાની જાહેરાત કરી હતી. આમાંથી, પ્રૂડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 216.33 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. કુલ મળીને, કોંગ્રેસને ઇલેક્ટોરલ ટ્રસ્ટ સિસ્ટમ દ્વારા 313 કરોડ રૂપિયાથી વધુ રકમ મળી, જે તેના કુલ ફંડનો એક મોટો હિસ્સો છે.
30 રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પંચને તેમના પોલિટિકલ કન્ટ્રિબ્યૂશન રિપોર્ટ સોંપી દીધો છે. જોકે, ભાજપનો 2024-25નો ફંડ અહેવાલ અત્યાર સુધી ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો નથી. NDTVના રિપોર્ટ મુજબ, ભાજપના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાર્ટીએ કમિશનને પોતાનો અહેવાલ મોડેથી આપ્યો. અપલોડ ન થવા અંગે પૂછવામાં આવતા ચૂંટણી પંચના એક અધિકારીએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે.

