- Education
- 4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!
4 લાખમાં પરીક્ષા ખંડમાં બ્લૂટૂથ પહોંચાડયું, RPF ભરતી પરીક્ષામાં 2 ઉમેદવાર આવું કરતા પકડાયા!

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં છેતરપિંડી કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ બ્લૂટૂથનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હકીકતમાં, નોઈડાના સેક્ટર 58 પોલીસે સેક્ટર 62 સ્થિત IDZ-2 પરીક્ષા કેન્દ્રમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ બ્લૂટૂથ ઇલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા જવાબો માંગી રહ્યા હતા. પકડાયેલા ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં ટેબલ નીચે એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ ગોઠવ્યું હતું અને બ્લૂટૂથ ઇયરપીસ દ્વારા કોઈ બીજા પાસેથી સવાલોના જવાબો મેળવી રહ્યા હતા.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 7 માર્ચ, 2025ના રોજ પરીક્ષા દરમિયાન, રૂમ ઇન્સ્પેક્ટર છત્રપાલને ઉમેદવાર આઝાદની હરકતો શંકાસ્પદ લાગી. શોધખોળ કરતાં, તેના બેન્ચ નીચે એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને કાનમાં બ્લૂટૂથ ઇયરપીસ મળી આવ્યું. આ પછી, કેન્દ્રના સ્ટાફ VK શર્મા, આદિત્ય ચૌધરી અને આશિષ રસ્તોગીને બોલાવવામાં આવ્યા, જેમણે સ્થળ પર ઉપકરણ જપ્ત કર્યું અને ઉમેદવારની પૂછપરછ કરી.

પૂછપરછ દરમિયાન, આઝાદે જણાવ્યું કે, તેના ભાઈ અસલમે રાહુલ (રહે. મવાના, મેરઠ) અને પંકજ (રહે. હાસમપુર, મુઝફ્ફરનગર)નો સંપર્ક કરીને તેને પરીક્ષા પાસ કરવામાં મદદ કરી હતી. બંનેએ બાગપતના નાગલા બાડી ગામના રહેવાસી સુમિત દ્વારા પરીક્ષા કેન્દ્રમાં બ્લૂટૂથ ડિવાઇસ સેટ કરાવવાનું વચન આપ્યું હતું. સુમિત IDZ-2 પરીક્ષા કેન્દ્રમાં કાર્યરત અર્જુન ડાગરના સંપર્કમાં હતો, જેણે પરીક્ષા કેન્દ્રની અંદર ઉપકરણ પૂરું પાડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સોદો 4 લાખ રૂપિયામાં નક્કી થયો હતો, જેમાંથી 50 હજાર રૂપિયા પહેલાથી જ આપી દેવામાં આવ્યા હતા.

આરોપીઓએ એ પણ કબૂલાત કરી છે કે, બ્લૂટૂથ ડિવાઇસ પરીક્ષા કેન્દ્રના 7મા માળે સ્થિત લેબ A-7ના બાથરૂમમાં છુપાવવામાં આવ્યું હતું અને તેને પરીક્ષા ખંડમાં લઈ જઈને ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. જોકે, આરોપીઓને ખબર નહોતી કે, પ્રશ્નોના જવાબ કોણ આપી રહ્યું છે. નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઓળખવા અને ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સેક્ટર 58 પોલીસ સ્ટેશન સમગ્ર રેકેટની વિગતવાર તપાસ કરી રહ્યું છે જેથી છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.