- Education
- દેશમાં એક જ શિક્ષકના ભરોસે એક લાખથી વધુ શાળાઓ
દેશમાં એક જ શિક્ષકના ભરોસે એક લાખથી વધુ શાળાઓ
ભારતમાં ફક્ત એક જ શિક્ષક સાથે ચાલતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. UDISE રિપોર્ટના ડેટા અનુસાર, દેશમાં આવી શાળાઓની સંખ્યા 2024-25માં 104,125થી ઘટીને 2025-26માં 100,843 થઈ ગઈ. આ એક જ વર્ષમાં દેશભરમાં એક જ શિક્ષકથી ચાલતી શાળાઓમાં 3,282નો ચોખ્ખો ઘટાડો થયો છે.
આ માહિતી કેન્દ્ર સરકારે જુલાઈના અંતમાં રાજ્યસભામાં શિક્ષકની ખાલી જગ્યાઓ અંગેના પ્રશ્નના જવાબમાં રજૂ કરી હતી. એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ એટલે કે, જ્યાં એક જ શિક્ષક બધા વર્ગો અને વિષયો શીખવવા માટે જવાબદાર હોય છે, અને તેને શૈક્ષણિક સંસાધનોના અભાવના મુખ્ય સૂચક તરીકે જોવામાં આવે છે.
આ ઘટાડો બધા રાજ્યોમાં એકસરખો નથી. બંને વર્ષના ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે, ફક્ત 5 રાજ્યોએ મળીને એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યામાં 11,000થી વધુનો ઘટાડો થયો છે, જે સમગ્ર દેશમાં કુલ ચોખ્ખા ઘટાડા કરતા ત્રણ ગણાથી વધુ છે.
તેનાથી તદ્દન વિરુદ્ધ, ઘણા અન્ય રાજ્યોમાં, આવી શાળાઓની સંખ્યામાં હજારોનો વધારો પણ થયો છે. આમ, દેશભરમાં 3,282 શાળાઓનો એકંદર ઘટાડો ખરેખર આ બે વિરોધાભાસી વલણોનું સરેરાશ પરિણામ છે.
મધ્યપ્રદેશમાં આવી શાળાઓની સંખ્યામાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં એક શિક્ષક ધરાવતી શાળાઓ 2024-25માં 7,217થી ઘટીને 2025-26માં 2,269 થઈ ગઈ છે, એટલે કે એકલા મધ્યપ્રદેશમાં 4,948 શાળાઓનો ઘટાડો થયો છે, જે દેશમાં કુલ ચોખ્ખા ઘટાડા કરતા વધુ છે. ત્યાર પછી છત્તીસગઢ બીજા ક્રમે છે, તેમાં આ સંખ્યા 5,973થી ઘટીને 2,461 થઇ ગઈ છે, એટલે કે 3,512 શાળાઓનો ઘટાડો થયો.
મોટા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, જ્યાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા સૌથી વધુ છે, તેની સંખ્યા 9,508થી ઘટીને 7,874 થઈ ગઈ, જે 1,634નો ઘટાડો દર્શાવે છે. ત્યાર પછી પંજાબ, 682 સાથે, અને ગુજરાત, 601 સાથે, બંને ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું.
બીજી બાજુ, આંધ્ર પ્રદેશે દેશમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યામાં સૌથી વધુ વધારો નોંધાવ્યો. આંધ્ર પ્રદેશમાં આવી શાળાઓની સંખ્યા 12,912થી વધીને 16,357 થઈ, જે એક જ વર્ષમાં 3,445 નવી એક શિક્ષક ધરાવતી શાળાઓમાં થયેલો વધારો દર્શાવે છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ અનુક્રમે 1,117 અને 1,083 શાળાઓ સાથે 1,000થી વધુનો વધારો જોવા મળ્યો. કર્ણાટકમાં 693 અને ઝારખંડમાં 655 એક શિક્ષક ધરાવતી શાળાઓનો નવો ઉમેરો થયો.
રાજ્યસભામાં સરકારના પ્રતિભાવમાં રાજ્યો વચ્ચે આ ખુબ મોટા તફાવતનું કારણ જણાવવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકારે શિક્ષકોની અછત માટે નિવૃત્તિ, રાજીનામું, નવી જગ્યાઓનું નિર્માણ, શિક્ષકોનું તર્કસંગત ગોઠવણ અને નોંધણીમાં ફેરફાર જેવા સામાન્ય કારણો જવાબદાર ગણાવ્યા હતા, પરંતુ તેમને ખાસ કરીને એવા રાજ્યો સાથે જોડ્યા ન હતા જ્યાં ખુબ મોટો વધારો અથવા ઘટાડો થયો હતો.
સરકારે મૂળ પ્રશ્નના એ ભાગનો સ્પષ્ટ જવાબ પણ આપ્યો ન હતો, જેમાં મંજૂર પોસ્ટ્સ, કાર્યરત શિક્ષકો અને રાજ્ય દ્વારા ખાલી પોસ્ટ્સની વિગતો માંગવામાં આવી હતી. સરકારે જણાવ્યું હતું કે, આ ડેટા રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જાળવવામાં આવે છે. તેના બદલે, UDISE+ 2025-26 મુજબ હાલમાં તૈનાત શિક્ષકોની સંખ્યા અને સિંગલ-ટીચર સ્કૂલનો ડેટા જ શેર કરવામાં આવ્યો હતો. મંજૂર પોસ્ટ્સ અને ખાલી જગ્યાઓ અંગે સ્પષ્ટ માહિતીના અભાવે, એ નક્કી કરવું અશક્ય છે કે, સિંગલ-ટીચર સ્કૂલોમાં ઘટાડો નવી નિમણૂકોને કારણે છે કે મર્જર, બંધ થવા અથવા પુનઃવર્ગીકરણને કારણે.
વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (PTR) 2 વર્ષમાં અલગ રીતે માપવામાં આવે છે, જે સીધી સરખામણીને મર્યાદિત કરે છે. UDISE+ 2024-25એ સમગ્ર દેશ માટે પ્રતિ શિક્ષક 24 વિદ્યાર્થીઓનો એક જ PTR આંકડો પૂરો પાડ્યો હતો. જોકે, UDISE+ 2025-26 ડેટા, સંપૂર્ણ સંખ્યાઓ આપવાને બદલે, શિક્ષણના સ્તર દ્વારા વિભાજિત કરવામાં આવ્યો છે, જે પ્રાથમિક સ્તરે 19, ઉચ્ચ પ્રાથમિક સ્તરે 17, માધ્યમિક સ્તરે 15 અને ઉચ્ચ માધ્યમિક સ્તરે 23ના PTR દર્શાવે છે.
2025-26 માટેના આ સરકારી આંકડા 2024-25 માટેના એકંદર આંકડા 24 કરતા ઓછા છે. સરકારના પ્રતિભાવ મુજબ, આ આંકડા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 દ્વારા નિર્ધારિત ધોરણો સાથે સુસંગત છે, જે રાષ્ટ્રીય સ્તરે 30થી ઓછા અને સામાજિક-આર્થિક રીતે વંચિત વિસ્તારોમાં 25થી ઓછા PTRની ભલામણ કરે છે. જો કે, બે વર્ષ વચ્ચે માપદંડ અલગ હોવાથી, આ ચોક્કસ સરખામણી કરતાં સુધારાની દિશા સૂચવે છે.

