ગોવિંદભાઈ ધોળકિયાના વીડિયો દ્વારા ઠગોનો નવો ખેલ, જૂના સિક્કા ખરીદવાના બહાને કાંડ!

સુરતમાં સાઇબર ઠગોએ છેતરપિંડી માટે હવે જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદના નામ અને પ્રતિષ્ઠાનો દુરુપયોગ શરૂ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના જૂના ફોટોગ્રાફ્સ અને વીડિયોના આધારે ફેક પ્રોફાઇલ તથા ડીપફેક વીડિયો તૈયાર કરી સોશિયલ મીડિયા મારફતે લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં હું ગોવિંદભાઈ ધોળકિયા બોલું છું તેમ કહીને અજાણ્યા ગઠિયાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વતી જૂના ચલણી સિક્કાઓ મોંઘા ભાવે ખરીદવાની ભ્રામક જાહેરાત કરી રહ્યા હતા.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કતારગામ સ્થિત SRK કંપનીના સંચાલક ગોવિંદભાઈ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી (PS) ભાવેશ વાલજીભાઈ લાઠીયાએ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ઠગોએ સોશિયલ મીડિયા પર 'Old Coin Company'ના નામે અલગ-અલગ ID બનાવી હતી. સિક્કા ખરીદવાના બહાને ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી અથવા ચાર્જ પેટે ₹1,500 ઓનલાઈન UPI માર્ફતે ટ્રાન્સફર કરાવી નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

govindbhai-dholakia1
instagram.com/govinddholakia_official

SRK કંપનીના સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ વિભાગના નિવૃત્ત DySP આર.જી. જાડેજાના ધ્યાને આ શંકાસ્પદ બાબત આવી હતી. તેમણે તુરંત જ વીડિયોમાં દર્શાવેલા નંબરો પર સંપર્ક કર્યો હતો. ફોન ઉપાડતા જ સામેથી હિન્દી ભાષામાં વાત કરતી અજાણી વ્યક્તિએ પોતે ગોવિંદભાઈ ધોળકિયા હોવાનો દાવો કર્યો હતો અને રાજકોટથી બોલતો હોવાનું જણાવી ચાર્જ પેટે ઓનલાઈન રૂપિયા માંગ્યા હતા, જ્યારે પેમેન્ટ અંગે વધુ પૂછપરછ કરી ત્યારે સામેવાળાએ ફોન કાપી નાખ્યો હતો.

એટલું જ નહીં, તેમના જૂના વીડિયોનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે.આ રીતે બનાવવામાં આવેલી ફેક પ્રોફાઇલ અને વીડિયો દ્વારા સામાન્ય લોકોને એવું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જાણે ગોવિંદભાઈ ધોળકિયા અથવા તેમની સંસ્થા તરફથી જૂના ચલણી સિક્કા ખરીદવાની કોઈ યોજના ચલાવવામાં આવી રહી હોય. સાઇબર ઠગોએ વધુ વિશ્વસનીયતા ઊભી કરવા માટે RBIના નામનો પણ ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ભ્રામક જાહેરાતો મૂકીને જૂના ચલણી સિક્કા બજારભાવ કરતા ખૂબ ઊંચી કિંમતે ખરીદવામાં આવશે તેવો પ્રચાર કરવામાં આવતો હતો.

ઉલ્લેખનીય છે કે સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા કે તેમની SRK સંસ્થા દ્વારા આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. તેમની સામાજિક છબી ખરડવા અને સામાન્ય જનતાને આર્થિક રીતે લૂંટવાના ઈરાદાથી આ આયોજનબદ્ધ કારસો રચાયો હોવાનું સ્પષ્ટ થતા આખરે સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ કર્યો છે સુરત સાયબર ક્રાઈમ પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

govindbhai-dholakia3
asiaconverge.com

ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફેક સોશિયલ મીડિયા પ્રોફાઇલ, ડીપફેક વીડિયો, મોબાઈલ નંબર, UPI ટ્રાન્ઝેક્શન તથા અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ટેકનિકલ એનાલિસિસના આધારે ઠગો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ફેક ID કોણે બનાવી, ડીપફેક વીડિયો ક્યાંથી તૈયાર કરવામાં આવ્યો, કયા મોબાઈલ નંબર અને બેંક અથવા UPI એકાઉન્ટનો ઉપયોગ થયો તથા આ સમગ્ર નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર ડીપફેક ટેક્નોલોજીના દુરુપયોગ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અગાઉ પણ સાઇબર ઠગો જાણીતી વ્યક્તિઓના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરીને લોકોમાં વિશ્વાસ ઊભો કરતા હતા, પરંતુ હવે AI આધારિત ડીપફેક ટેક્નોલોજીના કારણે કોઈ વ્યક્તિના અવાજ, ચહેરા અને વીડિયોને નકલી રીતે રજૂ કરવાનું વધુ સરળ બન્યું છે. આ કેસમાં પણ ઠગોએ ગોવિંદભાઈ ધોળકિયાની જાહેરમાં ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને તેમની ઓળખનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ડીપફેક એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી એક ડિજિટલ પ્રોસેસ છે. જેમાં કોઈ જાણીતી વ્યક્તિનો ચહેરો, અવાજ કે બોલવાની શૈલી અન્ય વ્યક્તિ સાથે એટલી ચોકસાઈથી બદલી નાખવામાં આવે છે કે તે વીડિયો એકદમ અસલી જ લાગે છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર કોઈ પણ જાણીતા લોકોના નામે નાણાકીય લેવડદેવડ કે પ્રોસેસિંગ ફી માંગવામાં આવે ત્યારે લાલચમાં આવ્યા વગર સાયબર હેલ્પલાઈન પર જાણ કરવી.

About The Author

Related Posts

Top News

દેશમાં એક જ શિક્ષકના ભરોસે એક લાખથી વધુ શાળાઓ

ભારતમાં ફક્ત એક જ શિક્ષક સાથે ચાલતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. UDISE રિપોર્ટના ડેટા અનુસાર, દેશમાં આવી શાળાઓની...
Education 
દેશમાં એક જ શિક્ષકના ભરોસે એક લાખથી વધુ શાળાઓ

ચોરોથી બચાવવા ખેડૂતે રૂ. 5 લાખ રૂપિયા ખેતરમાં દાટી દીધા, નોટોમાં ઉધઈ લાગી ગઈ

રાજસ્થાનના બાલોતરામાં એક ખેડૂતને પોતાની એક નાની ભૂલને કારણે 5 લાખ રૂપિયાનું નુકસાન થયું. એક ખેડૂત, જેનું નામ માંગીલાલ...
National 
ચોરોથી બચાવવા ખેડૂતે રૂ. 5 લાખ રૂપિયા ખેતરમાં દાટી દીધા, નોટોમાં ઉધઈ લાગી ગઈ

શિક્ષણ મંત્રી પદેથી કેમ રાજીનામું આપ્યું? ધર્મેન્દ્ર પ્રધાને આખરે તોડ્યું મૌન

શિક્ષણ મંત્રી પદ છોડવા અંગે ધર્મેન્દ્ર પ્રધાને આખરે પોતાનું મૌન તોડ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સંબલપુરના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને...
Politics 
શિક્ષણ મંત્રી પદેથી કેમ રાજીનામું આપ્યું? ધર્મેન્દ્ર પ્રધાને આખરે તોડ્યું મૌન

ગોવિંદભાઈ ધોળકિયાના વીડિયો દ્વારા ઠગોનો નવો ખેલ, જૂના સિક્કા ખરીદવાના બહાને કાંડ!

સુરતમાં સાઇબર ઠગોએ છેતરપિંડી માટે હવે જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદના નામ અને પ્રતિષ્ઠાનો દુરુપયોગ શરૂ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના...
Gujarat 
ગોવિંદભાઈ ધોળકિયાના વીડિયો દ્વારા ઠગોનો નવો ખેલ, જૂના સિક્કા ખરીદવાના બહાને કાંડ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.