- National
- ચોરોથી બચાવવા ખેડૂતે રૂ. 5 લાખ રૂપિયા ખેતરમાં દાટી દીધા, નોટોમાં ઉધઈ લાગી ગઈ
ચોરોથી બચાવવા ખેડૂતે રૂ. 5 લાખ રૂપિયા ખેતરમાં દાટી દીધા, નોટોમાં ઉધઈ લાગી ગઈ
રાજસ્થાનના બાલોતરામાં એક ખેડૂતને પોતાની એક નાની ભૂલને કારણે 5 લાખ રૂપિયાનું નુકસાન થયું. એક ખેડૂત, જેનું નામ માંગીલાલ મેઘવાલ છે, તેણે પોતાની જમીનનો પ્લોટ વેચીને મળેલા 5 લાખ રૂપિયા પરિવારના કોઈ પણ સભ્યને બતાવ્યા વગર અને ચોરી થવાના ડરથી પોતાના ખેતરમાં ખાડો ખોદી દાટી દીધા હતા.
માંગીલાલના દારૂના વ્યસન અને ભૂલવાની બીમારીને કારણે તે ભૂલી ગયો કે તેણે પૈસા ક્યાં દાટ્યા હતા. થોડા સમય પછી, જ્યારે તેને પોતાના ખેતરમાં એક ઓરડો બનાવવાની જરૂર પડી, ત્યારે તેણે પૈસા શોધવાનું શરૂ કર્યું, પરંતુ તેને પોતાના 10 વીઘાના ખેતરમાં તે જગ્યા મળી નહીં જ્યાં તેણે તેના પૈસા છુપાવ્યા હતા.
જ્યારે તેને તે પૈસા ન મળ્યા, ત્યારે તેણે આખરે તેની પત્ની અને પુત્રોને જાણ કરી, પરંતુ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. જ્યારે તેણે તેના પરિવારને આ વિશે જાણ કરી, ત્યારે તેઓને વિશ્વાસ ન થયો. ખેડૂત માંગીલાલે ખુબ સમજાવ્યા પછી, પરિવારે પૈસા શોધવાનું શરૂ કર્યું, પરંતુ તેઓને પણ તે પૈસા મળ્યા નહીં.
પૈસા દાટી દીધાના લગભગ એક વર્ષ પછી, વરસાદ આવ્યા પછી ખેતરમાં વાવણીનું કામ શરુ થયું. આ સમય દરમિયાન, નોટોવાળી થેલી જમીનની બહાર આવી ગઈ અને તે ખેડૂતની પત્ની અને પુત્રને મળી.
માંગીલાલ પોતાના પરિવાર સાથે પાચપદ્રથી થોડે દૂર નેવાઈ ગામમાં પોતાના ખેતરમાં પોતાની નાની ઝૂંપડીમાં રહે છે. પાચપદ્રમાં પોતાનો પ્લોટ વેચ્યા પછી, તે પોતાના ખેતરમાં એક ઓરડો બનાવવા માંગતો હતો. તેને ડર હતો કે તેના પૈસા ચોરાઈ જશે અથવા તેના પુત્રો મોટી રકમ ગમે તેમ ખર્ચ કરી દેશે. પરિણામે, તેણે 5 લાખ રૂપિયા પોલિથીનમાં લપેટીને પોતાના ખેતરમાં એક ખાડામાં છુપાવી દીધા.
જ્યારે તેઓએ બેગ ખોલી, ત્યારે તેમને 500 રૂપિયાની નોટો મળી, જે ઉધઈએ સંપૂર્ણપણે ખાઈ લીધી હતી. નોટોના ટુકડા થઈ ગયા હતા.
આ પછી, જ્યારે પરિવારના સભ્યો પાચપદ્રમાં આવેલી SBI બેંકમાં નોટો લઈ ગયા, ત્યારે બેંકે નોટોની સ્થિતિને કારણે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો. ત્યારપછી તેઓ બાલોતરાની મુખ્ય શાખામાં ગયા, પરંતુ ત્યાં પણ નોટો નકારી કાઢવામાં આવી. આ પછી, પત્ની અને પુત્રએ ખેડૂતને ખુબ સંભળાવ્યું હતું.
ભારતીય રિઝર્વ બેંકે ફાટેલી અથવા ઘસાઈ ગયેલી નોટો બદલવા માટે ચોક્કસ નિયમો સ્થાપિત કર્યા છે, જેના આધારે તમે સરળતાથી તમારી નોટો બદલી શકો છો.
20 નોટો અથવા રૂ. 5000 સુધી- જો તમે એક દિવસમાં 20 ફાટેલી નોટો અથવા કુલ રૂ. 5000 સુધીની નોટો બદલવા માંગતા હો, તો બેંક તેમને કોઈપણ ફી વિના તરત જ બદલી દેશે.
જો નોટોની સંખ્યા 20થી વધુ હોય અથવા કુલ મૂલ્ય રૂ. 5000થી વધુ હોય, તો બેંક તેમને સ્વીકારશે અને રસીદ પણ આપશે. આ રકમ પાછળથી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આવા કિસ્સાઓમાં, બેંક સર્વિસ ચાર્જ વસૂલ કરી શકે છે.

