- Entertainment
- 'કુત્તે' ફિલ્મની રીલિઝ પર છવાયા સંકટના વાદળો, હાઈકોર્ટમાં દાખલ થઈ અરજી
'કુત્તે' ફિલ્મની રીલિઝ પર છવાયા સંકટના વાદળો, હાઈકોર્ટમાં દાખલ થઈ અરજી

વિનોદ ભારદ્વાજના પુત્ર આસમાન ભારદ્વાજની પહેલી ફિલ્મ 'કુત્તે' વિવાદોમાં ફસાતી જોવા મળી રહી છે. આ ફિલ્મની રીલિઝ પર મુશ્કેલીના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ ફિલ્મના રીલિઝ થવા પર પ્રતિબંધ મૂકવા માટે જોધપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આમાં પોલીસકર્મીઓના વ્યવહારને કૂતરા સાથે પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે. અરજદારનો આરોપ છે કે, આ ફિલ્મમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના લીવ વિથ ડિગ્નિટીના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
રાજસ્થાન હાઈકોર્ટની મુખ્ય બેંચ સમક્ષ જોધપુરમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. ફરિયાદી શગુન ચૌધરી તરફથી રજૂ કરવામાં આવેલી આ અરજીમાં ફિલ્મ નિર્માતા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે પોલીસકર્મીઓના વ્યવહારને કૂતરા સાથે પ્રતિબિંબિત કર્યો છે. અરજદારે તેની અરજીના માધ્યમથી કોર્ટને વિનંતી કરી છે કે, આગામી 13 જાન્યુઆરીએ રીલિઝ થનારી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
અરજી દાખલ થયા બાદ આ મામલો રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ અરુણ ભણસાલીની કોર્ટમાં તારીખ 12 જાન્યુઆરીના રોજ મુખ્ય દલીલની યાદીમાં અનુક્રમ નંબર 185 પર કેસ નોંધવામાં આવ્યો છે. જોવાની વાત એ છે કે, રાજસ્થાન હાઈકોર્ટનો આ અરજી પર શું નિર્ણય આવે છે. હવે ફિલ્મ નિર્માતા સહિત સૌની નજર રાજસ્થાન હાઈકોર્ટ અને 12મી તારીખ પર છે. દરેકના મનમાં એ સવાલ છે કે, આગામી 13 તારીખે આ ફિલ્મ રીલિઝ થઈ શકશે કે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં અર્જુન કપૂર સહિત તબ્બુ અને નસીરુદ્દીન શાહ જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. અર્જુન કપૂર હાલના દિવસોમાં પોતાની આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર અને સ્ટારકાસ્ટનું ફર્સ્ટ લૂક પોસ્ટર સામે આવ્યું હતું. 'કુત્તે' એક ડાર્ક કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં કોંકણા સેન શર્મા, કુમુદ મિશ્રા અને રાધિકા મદન જેવા કલાકારો પણ જોવા મળશે. હાલના દિવસોમાં ઘણી ફિલ્મો વિવાદોને કારણે ચર્ચામાં રહી છે. તેમાં હવે 'કુત્તે' પણ સામેલ થઈ ગઈ છે.