ગોપાલ ઇટાલિયાનો મોટો આક્ષેપ- ‘PMO-CMOમાંથી ભલામણ બાદ પણ કલેક્ટરે પૈસા ઉઘરાવ્યા’
અમરેલી જિલ્લાના ધારી ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કિસાન યાત્રા અને જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જ્યાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટીની કિસાન યાત્રા ધારીના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ જોડાયા હતા. યાત્રામાં ગોપાલ ઈટાલિયા ટ્રેક્ટર ચલાવતા પણ જોવા મળ્યા હતા. યાત્રા બાદ પ્રેમપરા ખાતે કિસાન ન્યાય યાત્રા અંતર્ગત જંગી સભા યોજાઈ હતી. સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા, બ્રિજરાજ સોલંકી, જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિકુંજ સોલંકી અને કાંતિ સતાસીયા સહિત સ્થાનિક ગામડાના સરપંચો અને ઉપસરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગોપાલ ઇટાલિયા અને અન્ય નેતાઓએ ભાજપ સરકારની નીતિઓ સામે આકરા આક્ષેપો કર્યા હતા.
સુરેન્દ્રનગર કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલના બંગલે અને કલેક્ટર કચેરીમાં જ ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને EDના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઘરપકડ કરાઇ હતી. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની બદલી કરાઈ છે. આ વચ્ચે આજે અમરેલીના ધારીમાં આયોજિત આમ આદમી પાર્ટી (AAP)ની કિસાન સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઇટાલિયાએ જણાવ્યું કે, એક વ્યક્તિને જમીન આપવા માટે PMO-CMO બંનેની ઓફિસમાંથી ભલામણ બાદ પણ કલેક્ટરે પૈસા ઉઘરાવ્યાં હતા. ભષ્ટ્રાચાર કરનારાઓની હિંમત તો જૂઓ.
ધારીમાં AAPની કિસાન સભામાં ગોપાલ ઇટાલિયાએ સુરેન્દ્રનગર જમીન કૌભાડ મામલે ભાજપ સરકાર પર આરોપ લાગવાયા કહ્યું હતું કે, કેન્દ્રમાં સરકાર ભાજપની, ગુજરાતમાં સરકાર ભાજપની તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવીને કલેક્ટરને પકડે તે વાતમાં કંઈક શંકા ન થાય? બંને જગ્યાએ એકની જ સરકાર છે તો પણ રેડ પડી?
ગોપાલ ઇટાલિયાએ કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વિના આ રેડ પાછળ શું કારણ છે તે સમજાવતા જણાવ્યું કે, કેન્દ્રમાં એક સોલાર કંપની છે, જેને વડાપ્રધાન સાથે ખૂબ સારા સંબંધ છે, જેણે વડાપ્રધાનને મળીને કહ્યું કે, મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન બનાવવો છે. જેથી PMOમાંથી CMOમાંથી ભલામણ આવી કે, અમે એક છોકરાને મોકલીએ છીએ તેને સોલાર માટે જેટલી સરકારી જમીન જોઈતી હોય એટલી આપવાની છે, એ માટે સુવિધા કરી આપો અને પ્લાન્ટ નંખાવી દેજો.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, PMOની સુચના CMOમાં આવી જેથી મુખ્યમંત્રીએ તે વ્યક્તિની આગતા સ્વાગતા પણ કરી હતી, જેના તસવીરો-વીડિયો પણ છે. ઓલા વ્યક્તિએ સુરેન્દ્રનગરમાં જમીન જોઈ છે તેમ કહ્યું. વડાપ્રધાનની ભલામણ, મુખ્યમંત્રીની ભલામણ સાથે તે વ્યક્તિ સુરેન્દ્રનગરમાં જમીનનું કામ કરવા ગયો ત્યારે કલેક્ટરે તેની પાસેથી રૂપિયા માગ્યા હતા અને રૂપિયા પણ લીધા હતા. જેની વડાપ્રધાન-મુખ્યમંત્રીએ ભલામણ કરી હતી. એ વ્યક્તિ પાસે કલેક્ટરે રૂપિયા માગી લીધા તો ભષ્ટ્રાચાર કરનારની હિંમત તો જૂઓ.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, જેથી તે વ્યક્તિએ વડાપ્રધાનને કહ્યું કે તમે મોકલ્યો તો પણ આણે રૂપિયા લીધા. તો PMO વાળાએ EDને ફોન કર્યો કે અમે લીધા પછી તેણે શું કામ માંગ્યા જાવ તેને પકડો. તો આ વાતનો વાંધો પડ્યો. 1500 કરોડના જમીન NA (બિનખેતી) કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારબાદ બપોરે આ કેસમાં સુરેન્દ્રનગરમાં ACBએ EDના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને PA જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે.
23 ડિસેમ્બરે દિલ્હીમાં આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.
ચંદ્રસિંહ મોરીએ ED સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેરમીટરદીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે, જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે.
સુરેન્દ્રનગરમાં 24 ડિસેમ્બર, 2025)ન સવારે 5:00 વાગ્યે EDએ 1500 કરોડ રૂપિયાના જમીન સંપાદન કેસ મામલે કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના PA, વકીલ અને ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. રાત્રે 10:00 વાગ્યા સુધી તપાસ ચાલી હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા સંભાળ્યા બાદ નળસરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડીમાં સોલર પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય એ ઘરે લઇ જતા હતા.

