- Governance
- PM નરેન્દ્ર મોદીએ ગુજરાત હાઇકોર્ટના ભરપેટ વખાણ કર્યા
PM નરેન્દ્ર મોદીએ ગુજરાત હાઇકોર્ટના ભરપેટ વખાણ કર્યા

PM નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઈ કોર્ટની હીરકજયંતિ મહોત્સવની ઉજવણીના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલતા PMએ છેલ્લાં 60 વર્ષના સમયગાળા દરમિયાન ભારતીય ન્યાય વ્યવસ્થા અને ભારતીય લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાની કાયદાકીય સમજણ, વિદ્વતા અને બૌદ્ધિકતા સાથે કરેલા પ્રદાન બદલ હાઈ કોર્ટ અને બારની પ્રશંસા કરી હતી. PMએ કહ્યું હતું કે, બંધારણના મૂલ્યોને જીવંત રાખવા માટે ન્યાયતંત્રએ એની જવાબદારી સુપેરે અદા કરી છે. ન્યાયતંત્રએ સકારાત્મક અને રચનાત્મક રીતે ભારતીય બંધારણનું અર્થઘટન કરીને એને હંમેશાં મજબૂત કર્યું છે. ન્યાયતંત્રએ નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાના ક્ષેત્રોમાં એની ભૂમિકા ભજવીને કાયદાના શાસનને સ્થાપિત કરવા અને એને જાળવવાની કામગીરી પણ કરી છે.
PMએ કહ્યું હતું કે, ભારતીય સમાજમાં કાયદાનું શાસન આપણી સભ્યતા અને સામાજિક તાણાવાણાના આધાર રહ્યું છે. કાયદાનું શાસન સુસશાન કે સુરાજ્યનો આધાર છે. આ જ મંત્રએ આપણા સ્વતંત્રતા સંગ્રામમાં દેશવાસીઓને નૈતિક તાકાત આપી હતી. આ જ વિચારને આપણા બંધારણના ઘડવૈયાઓએ પણ બંધારણની રચના સમયે સૌથી વધુ મહત્વ આપ્યું હતું. આપણા બંધારણની પ્રસ્તાવનામાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો સંકલ્પ જ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોને ન્યાયતંત્રએ હંમેશાં ઊર્જા અને દિશા આપી છે. PMએ ન્યાના મૂળભૂત ઉદ્દેશો પાર પાડવામાં બારની ભૂમિકાની પ્રશંસા પણ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરની ન્યાય વ્યવસ્થા સ્થાપિત કરવાની જવાબદારી કાર્યકારિણી અને ન્યાયતંત્ર બંનેની છે, જે સમાજના છેવાડાના માનવીને પણ સમયસર ન્યાય મળવાની ખાતરી આપશે.
PMએ રોગચાળાના મુશ્કેલ સમયગાળા દરમિયાન ન્યાયતંત્રની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત હાઈ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી વહેલામાં વહેલી તકે શરૂ કરવી, SMS કોલ-આઉટ, કેસનું ઇ-ફાઇલિંગ અને ‘ઇમેલ માય કેસ સ્ટેટ્સ’ જેવી પહેલો અપનાવીને એની પરિવર્તન અને ટેકનોલોજીના સ્વીકારની ક્ષમતા પ્રદર્શિત કરી હતી. કોર્ટે યુટ્યુબ પર એના ડિસ્પ્લે બોર્ડનું પ્રસારણ પણ શરૂ કર્યું હતું તથા વેબસાઇટ પર એના ચુકાદા અને આદેશો પણ અપલોડ કર્યા હતા. ગુજરાત હાઈ કોર્ટ દેશની પ્રથમ કોર્ટ બની હતી, જેણે કોર્ટની કાર્યવાહીનું સ્ટ્રીમિંગ કર્યું હતું.
PMએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, કાયદા મંત્રાલયના ઇ-કોર્ટ્સ ઇન્ટિગ્રેટેડ મિશન મોડ પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ માળખાગત સુવિધા સ્થાપિત થઈ છે. PMએ મોદીએ જાણકારી આપી હતી કે, અત્યારે 18 હજારથી વધારે કોર્ટનું કમ્પ્યુટરાઇઝેશન થયું છે અને સુપ્રીમ કોર્ટે ટેલી-કોન્ફરન્સિંગ અને વીડિયો કોન્ફરન્સિંગને કાયદેસર મંજૂરી આપ્યા પછી કોર્ટમાં ઇ-કાર્યવાહીને નવો વેગ મળ્યો છે.
PMએ કહ્યું હતું કે, દુનિયાની તમામ સુપ્રીમ કોર્ટ વચ્ચે આપણી સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌથી વધુ કેસોની સુનાવણી કરે છે એ આપણા બધા માટે ગર્વની વાત છે. PMએ ઉમેર્યું હતું કે, કેસોના ઇ-ફાઇલિંગ, કેસો માટે યુનિક આઇડેન્ટિફિકેશન કોડ અને ક્યુઆર કોડ દ્વારા સરળતાપૂર્વક ન્યાય મેળવવાની વ્યવસ્થાને નવું પાસું મળ્યું હતું, જે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડની સ્થાપના તરફ દોરી ગયું છે. આ ગ્રિડથી વકીલો અને ફરિયાદીઓને તેમના કેસ વિશે જાણકારી મેળવવામાં મદદ મળશે. ન્યાયિક પ્રક્રિયાની આ સરળતા જીવનની સરળતામાં વધારો કરવાની સાથે વેપારવાણિજ્યની સરળતામાં પણ વધારો થયો છે, કારણ કે વિદેશી રોકાણકારોને તેમના ન્યાયિક અધિકારોની સલામતી વિશે વધારે ખાતરી મળી છે. વિશ્વ બેંકે પણ નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડની પ્રશંસા કરી છે.
સુપ્રીમ કોર્ટ અને એનઆઇસીની ઇ-કમિટીએ ક્લાઉડ-આધારિત સલામત માળખાગત વ્યવસ્થા ઊભી કરી છે. PMએ જાણકારી આપી હતી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગની સંભવિતતા ચકાસવવામાં આવી રહી છે, જેથી આપણી વ્યવસ્થા ભવિષ્ય માટે સજ્જ બનશે. એનાથી ન્યાયતંત્રની કાર્યદક્ષતા અને કામ કરવાની ઝડપ એમ બંનેમાં વધારો થશે. PMએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર અભિયાન ન્યાયતંત્રને આધુનિક સ્વરૂપ આપવાના પ્રયાસોમાં મોટી ભૂમિકા ભજવશે. અભિયાન અંતર્ગત ભારત પોતાના આગવા વીડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપી રહ્યો છે. હાઈ કોર્ટ અને જિલ્લા અદાલતોમાં ઇ-સેવા કેન્દ્રો ડિજિટલ અસમાનતાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
PMએ ઇ-લોક અદાલતો વિશે વાત કરતાં 30થી 40 વર્ષ અગાઉ જૂનાગઢમાં ઇ-લોક અદાલતોનો ઉલ્લેખ કર્યો હતો. અત્યારે ઇ-લોક અદાલતો સમયસર અને સુવિધાજનક રીતે ન્યાય મેળવવાનો સ્ત્રોત બની ગયો છે, કારણ કે 24 રાજ્યોમાં લાખો કેસો ચાલી રહ્યાં છે. PMએ તેમના સંબોધનને અંતે જણાવ્યું હતું કે, વર્તમાન ન્યાયિક વ્યવસ્થા માટે આ ઝડપ, વિશ્વાસ અને સુવિધાની તાતી જરૂર છે.
Related Posts
Top News
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Opinion
-copy.jpg)