- Education
- 2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની ભરતીની જાહેરાત થતા ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો એ જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે રિટાયર્ડ શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણય સામે રાજ્યમાં TET, TAT ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરાયા બાદ 2 દિવસમાં યુટર્ન લઈ લીધો છે અને રિટાયર્ડ શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે.
રિટાયર્ડ શિક્ષકોની કામચલાઉ ભરતી માટેની જાહેરાત કરાયા બાદ વિરોધ શરૂ થઈ ગયો હતો, જેને કારણે રાજ્ય સરકારે ભરતીનો નિર્ણય રદ કરવાની ફરજ પડી છે છે. જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ જે જગ્યાઓ ખાલી પડી છે એના પર વચગાળાની વ્યવસ્થા તરીકે રિટાયર્ડ શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવી હતી. એ મૂળ અસરથી રદ કરવામાં આવે છે.
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ભરતીને લઈને અંગે વિપક્ષ અવારનવાર સવાલ ઉઠાવે છે. તેમાં પણ શિક્ષણનું સ્તર કથળતું જઈ રહ્યું હોવાની ખૂબ ફરિયાદો થઈ રહી છે છે. એક દાવા મુજબ ગુજરાતમાં શિક્ષકો અને આચાર્યોની 4,000થી વધુ જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગની આ જગ્યાઓ ભરવા માટે અન્ય ભરતી બોર્ડની જેમ જ સરકારે વિભિન્ન આયોગની રચના કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. વર્ષ 2013માં બહાર પાડવામાં આવેલા જાહેરનામાને આજે લગભગ 12 વર્ષ થયા હોવા છતા એનો હજુ સુધી અમલવારી થઈ નથી.
શું હતી જૂની જાહેરાત?
શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવા શિક્ષકોની બદલે ધોરણ 1-12માં ખાલી જગ્યાઓમાં રિટાયર્ડ શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જૂના નિયમમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રિટાયર્ડ શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. તેના માટે પરિપત્રમાં નિયમો પણ બનાવવામાં આવ્યા હતા.

