- Gujarat
- ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી કરનારા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, પરંતુ હવે આ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું છે. હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પાડવાની શક્યતા વર્તાઇ રહી છે. આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ચોમાસા દરમિયાન અરબ સાગર કે બંગાળની ખાડીમાં ઊભી થનારી સિસ્ટમ ગુજરાતમાં અસામાન્ય પ્રમાણમાં વરસાદ લાવતી હોય છે. બુધવારે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ છે, જે ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આગામી દિવસો દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તો બીજા કેટલાક વિસ્તારોમાં અતિભારે પડે તેવી શક્યતા છે, જેનું પ્રવેશદ્વાર દક્ષિણ ગુજરાત હશે અને મુંબઈ તથા ગુજરાતને અડીને આવેલાં મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. કયા જિલ્લામાં તેની અસર થશે, તેના વિશે આગામી દિવસોમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે. જોકે, સાતમ-આઠમના તહેવારો દરમિયાન ચોમાસાની પરિસ્થિતિ માટે હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ‘આગામી 48 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું વાતાવરણ રહેશે. 17-22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, અને કેટલાક વિસ્તારોમાં 10-12 ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતા છે. બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહેશે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 17-22 ઑગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. 23 ઑગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને 27-30 ઑગસ્ટ વરસાદ રહેશે. 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતમાં સીઝનનો 65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે રાજ્યની સરેરાશ કરતાં ઓછો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 69.1 મેઘમહેર થઈ છે. આ સિવાય કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્યપૂર્વ ગુજરાત વિસ્તારમાં અનુક્રમે 65.17, 66.21 અને 66.68 ટકા જેટલો રહ્યો હતો.

