- Gujarat
- અંબાલાલ પટેલની મોટી આગાહી, ડિસેમ્બરથી ફરી માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, ડિસેમ્બરથી ફરી માવઠાનું સંકટ
ગુજરાતમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીનો માહોલ છે, પરંતુ હવે ઋતુચક્રમાં અચાનક ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. ઠંડીની વચ્ચે ખેડૂતો માટે ફરી એક વાર માવઠાનું સંકટ ઊભું થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે. તેમના અનુમાન મુજબ રાજ્યમાં આવતા દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થશે—સવારે ઠંડી અને બપોરે ગરમી.
તાપમાનમાં હલચલ
અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ 23 અને 24 નવેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહી શકે છે. 25-26 નવેમ્બર બાદ તેમાં ધીમે ધીમે વધારો થઈને તે 16 થી 17 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાન લગભગ 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા હોવાથી લોકો સવારે ઠંડી અને બપોરે ગરમી—બેવડી ઋતુનો અનુભવ કરશે.
ડિસેમ્બરમાં માવઠાની ચેતવણી
હવામાન નિષ્ણાંતે વધુમાં જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં વાતાવરણ બદલાઈ શકે છે. 15થી 17 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી હળવો વરસાદ—માવઠાની શક્યતા છે. ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની આશંકા છે, જેના કારણે બીજા સપ્તાહથી માવઠાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા
અંદાજ મુજબ 20 ડિસેમ્બરથી દેશના ઉત્તર પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પણ ઠંડી વધારશે.
ડિસેમ્બર અંતથી જાન્યુઆરીમાં કાતિલ ઠંડી
અંબાલાલ પટેલે આગાહી કરી કે 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી શરૂ થઈ શકે છે અને ડિસેમ્બર અંતમાં પણ હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી પડતા કાતિલ ઠંડીને વેગ મળશે, જેથી જાન્યુઆરી દરમ્યાન પણ હાડ થીજવતી ઠંડીનો ચમકારો રહેશે. 11-12 જાન્યુઆરી બાદ ઠંડી ફરી તીવ્ર બની શકે છે.
ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની શક્યતા
તેમના અનુમાન મુજબ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ રાજ્યના જુદા જુદા ભાગોમાં માવઠા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

