- Gujarat
- સુરતમાં પાટીદાર યુવતી માટે હજારો લોકો રસ્તા પર ઉતર્યા
સુરતમાં પાટીદાર યુવતી માટે હજારો લોકો રસ્તા પર ઉતર્યા
સુરતના કતારગામની રહેવાસી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાત બાદ સમગ્ર શહેરમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાના વિરોધમાં અને નેનુને શ્રદ્ધાંજલિ આપવા માટે ગઈકાલે કતારગામના ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને યુવતી માટે ન્યાયની માંગ કરી હતી.

કેન્ડલ માર્ચમાં 10,000થી વધુ લોકો જોડાયા
ડભોલી ચાર રસ્તાથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ અંદાજે બે કિલોમીટર લાંબી હતી અને પાટીદાર સમાજની વાડી સુધી પહોંચી હતી. માર્ચમાં 10,000થી વધુ લોકો જોડાયા હોવાનો અંદાજ છે. લોકોએ હાથમાં મીણબત્તી અને મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને નેનુ વાવડિયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો.
https://www.facebook.com/watch/?v=1232661895326233
પાટીદાર અને રાજકીય આગેવાનો પણ જોડાયા
આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને વિજય માંગુકિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત જેવા રાજકીય આગેવાનો પણ આ માર્ચમાં જોડાયા હતા અને મૃતક યુવતીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ટ્યૂશન શિક્ષિકા નેનુએ જીવન ટૂંકાવ્યું
કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી 19 વર્ષીય નેનુ રજનીભાઈ વાવડિયા છેલ્લાં બે વર્ષથી એક ટ્યૂશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. તેના પિતા રજનીભાઈના જણાવ્યા મુજબ, 13 જુલાઈના રોજ તેમના પુત્ર યશે ઘરે પહોંચીને જોયું તો નેનુએ પોતાના રૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવાર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

14 જુલાઈના રોજ યુવતીની અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ ઘટનાથી સુરતમાં શોક અને રોષનું વાતાવરણ છે અને લોકો ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

