- Gujarat
- જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્...
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?
ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા કલાકાર માયાભાઇના પુત્ર જયરાજ આહીર પર ગંભીર આરોપ લાગ્યા હતા. પરંતુ બગદાણા પોલીસની તપાસમાં આ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો હતો કે આ ઘટનામાં જયરાજ આહીરની સંડોવણી છે. ત્યારબાદ કોળી સમાજમાં નારાજગી વ્યાપી અને કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા. આ બેઠકની ગણતરીની મિનિટોમાં જ નવનીત બાલધિયા કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી.
ત્યારબાદ નવનીત બાલધિયા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો. આ તપાસનો રેલો આખરે માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીર સુધી પહોંચ્યો. તેણે SIT સમક્ષ હાજર થવા કહેવામાં આવ્યું હતું. જયરાજ પહેલી વખત SIT સમક્ષ હાજર થયો અને કલાકો સુધી તેની પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ SITએ ફરી એક વખત જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યો અને આ પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને 25 જાન્યુઆરીએ મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને તેને ભાવનગર જિલ્લા જેલમાં ધકેલવા આદેશ કરવામાં આવ્યો હતો.
જો કે આશ્ચર્યની વાત તો એ છે કે, હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં SIT દ્વારા આરોપી જયરાજ આહિરના રિમાન્ડની માંગવામાં આવ્યા નથી. તેમજ જયરાજ આહિરે જામીન અરજી કરી છે, પરંતુ કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ તેને ચૂસ્ત બંદોબસ્ત સાથે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2021થી પુત્ર જયરાજ આહીર તળાજા તાલુકાના યુવા મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો છે.
કોળી સમાજના આગેવાન કિશન મેરે જણાવ્યું કે, નવનીત બાલધિયાના કેસમાં SITએ જયરાજની ધરપકડ કરી મહુવા કોર્ટમાં રજૂ કર્યા ત્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવી નથી, પરંતુ આ કેસ ગંભીર પ્રકારનો હોવાથી અને જયરાજ ભમ્મરની ધરપકડ કરાઈ હોવાથી પોલીસ કસ્ટડીમાં પૂરતા પૂરાવા મળ્યા હોય તો રિમાન્ડની માંગણી ન કરાઈ હોવાથી વાત સાચી છે. પણ SITની ટીમને કોઈ રાજકીય પ્રેશર થકી આ કેસમાં રિમાન્ડની માંગણી ન કરી હોય તેવું પણ બની શકે છે,
જેલમાં જયરાજ આહિરની પહેલી રાત કેવી વીતી હતી? આ અંગે પોલીસ સૂત્રો માહિતી મળી કે, જયરાજ આહીરને ભાવનગર જિલ્લા જેલની જનરલ બેરેક રાખવામાં આવ્યો છે અને હજુ સુધી તેને બેરેક ફાળવવામાં આવી નથી. જયરાજ આહીરના પરિવારજનોએ તેના માટે ગોદડા-પથારી અને ટિફિનની સુવિધા માટે અરજી કરી છે. જેલમાં મળતું ખીચડી, શાક, રોટલીનું ભોજન કર્યું હતું.
ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમાર દ્વારા SITની રચના કરાઇ અને જયરાજની ધરપકડ બાદ ગૌતમ પરમારે માહિતી આપી હતી. જે દરમિયાન તેમને હજુ પણ કેટલીક તપાસ બાકી હોવાનું જણાવ્યું હતું. ત્યારે જયરાજ વિરૂદ્ધ શું SITને પુરતા પુરાવા મળી ગયા છે કે પછી અંદરોઅંદર કઈક રંધાઈ ગયું છે? તેવી વાત લોકોમાં ભારે ચર્ચા થઇ રહી છે.
આ અગાઉ SITએ તમામ 8 આરોપીઓ સામે મહુવા કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આમ હત્યાના પ્રયાસ જેવા આ ગુનામાં જયરાજના રિમાન્ડ ન માગવાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

