- Gujarat
- રાજકોટમાં BMWથી નિર્દોષનો ભોગ લેનાર આત્મન પટેલને એક જ દિવસમાં જામીન મળી ગયા, પીડિત માતાએ કહ્યું- કા...
રાજકોટમાં BMWથી નિર્દોષનો ભોગ લેનાર આત્મન પટેલને એક જ દિવસમાં જામીન મળી ગયા, પીડિત માતાએ કહ્યું- કાલે બીજાનો દીકરો પણ જશે. પોલીસ પૈસા ખાઈ ગઈ છે
9 નવેમ્બરે રાત્રિના રાજકોટના કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલ નજીક મોડી રાત્રે પૂરપાટ દોડી આવતી BMW કારે ટૂ-વ્હીલરને અડફેટે લેતા એક યુવક 10 ફૂટ ઉછળી અને અભિષેક 50 ફૂટ ફંગોળાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મો*ત થઇ ગયું હતું. આત્મન પટેલ નામનો યુવક કાર ચલાવી રહ્યો હતો. જ્યારે અકસ્માતમાં અભિષેક નામના યુવકનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક પોલીસ સ્ટેશન હાજર થયો હતો. આ ઘટનામાં આરોપીને એક જ દિવસમાં જામીન મળી જતા મૃતકના પરિવારજનોએ પોલીસ અને સરકાર સમક્ષ ન્યાયની માગણી કરી છે.
આ અકસ્માત કરનાર BMWના ચાલકનું નામ આત્મન પટેલ (રહે.નાનામવા રોડ, સિલ્વર હાઈટ્સ સામે કિંગસ્ટોન એપાર્ટમેન્ટ) છે. તાલુકા પોલીસ મથકના PSI પી.જી.પરમારે જણાવ્યું કે, આ આત્મન ન્યારી ડેમ પાસે આવેલા તેના મિત્રના કાફેથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જે વાહનથી અકસ્માત સર્જાયો તે કાર આ આત્મનના પિતા અક્ષયભાઈ ઠાકરશીભાઈ પટેલના નામે રજિસ્ટર છે. અકસ્માત સર્જનાર ચાલકના પિતા અક્ષયભાઈનો મેટોડામાં કાચની ધાતુની ક્રોકરીઝ બનાવવાનો વ્યાપાર-ધંધો છે.
મૃતક અભિષેક નાથાણીના માતા વિલાસબેને જણાવ્યું હતું કે, આરોપીને જો છોડી મૂક્યો તો આજે મારો દીકરો ગયો છે કાલે બીજાનો દીકરો પણ જશે. પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, પૈસા ખાઈ ગઈ છે. સામેવાળા પૈસાવાળા છે એટલે પૈસા આપીને દીકરાને છોડાવી લીધો છે. સરકાર સમક્ષ અમારી ન્યાયની માગણી છે. આ કાળ બનીને આવ્યો અને મારા દીકરાને ખાઈ ગયો છે. આ પ્રકારના વ્યક્તિઓને વાહન ચલાવવા આપવું જ ન જોઈએ.
અભિષેકના ભાઈજી હરીભાઇએ કહ્યું હતું કે, અમારો દીકરો ગયો છે તો અમને ન્યાય મળે તેવી જ અમારી માગણી છે. અભિષેકના પિતા દેવેન્દ્રભાઈને ફર્નિચરનું કારખાનું છે અને વાલ્વની બીમારી છે. અકસ્માત કરનારા છૂટી જાય છે તે સરકારની બેદરકારી છે. આ પ્રકારના વ્યક્તિને જેલમાં જ રાખવો જોઈએ અને તેને અહેસાસ કરાવવો જોઈએ કે તે વ્યક્તિએ કોઈનો જીવ લીધો છે. સરકારે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવું જોઈએ.
મૃતક અભિષેકના ભાભુ તારા બેને જણાવ્યું હતું કે, આજે અમે અમારો દીકરો ગુમાવ્યો છે તેનું ખૂબ જ દુઃખ છે. અમારો સુરજડો આથમી ગયો છે અને એટલે અમારી એક જ માગણી છે કે, સરકારના કાયદામાં જોગવાઈ હોય તો આવા લોકોને ફાંસીની સજા આપો. આ પ્રકારના ગુનેગારોને પકડવામાં આવે અને કડક સજા કરવામાં આવે તો જ આ પ્રકારના ગુનાઓ સમાજમાં અટકશે. મારી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે તમે આમાં કંઈક કરો કારણ કે આજે એક રાતમાં અમારો એક દીકરો ગયો છે. આવા 10 જશે તો ભારતની અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા પડી ભાગશે. ગૃહમંત્રી અને પોલીસ ખાતાવાળા ને મારું કહેવું છે કે જો તમારા દીકરા સાથે આવું થયું હોય તો તમે શું કરો? આ પ્રકારના શખ્સોને સમાજ સામે ખુલ્લો કરવો જોઈએ. લર્નિંગ લાઇસન્સ ન હોય તો તેના માતા-પિતાને સજા થાય છે તો આવડો મોટો ગુનો કરે તો તેને કોઈ જ સજા ન થાય ?
તેણે કહ્યું કે, જે વ્યક્તિએ અકસ્માત કર્યો છે, તેમના પરિવારમાંથી 6-7 પુરુષો ગઈકાલે અમારે ત્યાં આવ્યા હતા. શરૂઆતમાં તેઓ અમારા બધા સાથે બેઠા હતા. કોઈ વાતચીત થઈ નહોતી. તે વખતે અમે બધા મહિલાઓએ અકસ્માત સર્જનારના પિતાને કહ્યું કે દીકરાને આવા સંસ્કાર ન આપવા જોઈએ. જોકે તેની સાથે આવેલા એક શખ્સે કહ્યું કે આ તો અમે મળવા આવ્યા નહિતર તમે શું કરી લેવાના હતા? આજે અમને નાની ધમકી આપીને ગયા છે કાલે સવારે અમને મોટી ધમકી આપશે. ધમકી આપીને અમારું મોઢું બંધ કરવા માગે છે.

