- Gujarat
- અનાર પટેલ બન્યા ખોડલધામ સંગઠનના અધ્યક્ષ, કહ્યું- પટેલોને એકજૂથ કરવા મુશ્કેલ પણ નરેશભાઈ...
અનાર પટેલ બન્યા ખોડલધામ સંગઠનના અધ્યક્ષ, કહ્યું- પટેલોને એકજૂથ કરવા મુશ્કેલ પણ નરેશભાઈ...
કાગવડ સ્થિત ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે 9 વર્ષ પૂર્ણ થયા. આ અવસર પર ખોડલધામ ખાતે હાલ વર્ષ 2026 કન્વિનર મીટનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. 2026 કન્વિનર મીટમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ખોડલધામ ખાતે યોજાયેલી 'કન્વિનર મીટ 2026' દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય ગલિયારામાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે.
અનાર પટેલના નામની જાહેરાત કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, ‘સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. કન્વિનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ નિર્ણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ‘પ્રોટોકોલ તોડીને નિર્ણય લેવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. ખોડલધામના કુલ 11 ઝોન છે ગુજરાતમાં, જે પૈકી અમદાવાદ ઝોનમાં 3 અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરષોત્તમભાઈ ઢેબરિયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે. આ જ રીતે અમરેલી કે જે લેઉવા પાટીદાર સમાજનું પાટનગર છે, અમરેલી જિલ્લાના ઝોન અધ્યક્ષ તરીકે બાવકુભાઇ ઊંઘાળની નિમણૂક કરવામાં આવી છે.
આ કાર્યક્રમ દરમિયાન ખોડલધામ સંગઠનના નવનિયુક્ત અધ્યક્ષ અનાર પટેલે પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું. આ અવસર પર તેમણે કહ્યું હતું કે, ‘નરેશભાઈ પટેલનો વિશ્વાસ હું ક્યારેય ડગમગવા નહીં દઉં. મને મળેલું પદ કોઈ સામાન્ય પદ નથી, પરંતુ એક મોટી જવાબદારી છે, જે બાબતનું પૂરું ભાન તેમને છે. નરેશભાઈ પટેલે ‘મા ખોડલની ભક્તિ અને એકતાની શક્તિ’ના સૂત્ર સાથે ખોડલધામની સ્થાપના કરી છે અને આ સંસ્થાએ સમાજને એકજૂથ કરવાનો સંદેશ આપ્યો છે.
અનાર પટેલે સ્ટેજ પરથી વધુમાં કહ્યું કે, ‘આપણી પાસે શક્તિ છે, સંપત્તિ છે, પટેલ સમાજ પાસે શું નથી? પરંતુ સાચી તાકાત એકતામાં છે. જેથી આપણે સંગઠિત રહેશું તો જ ઇતિહાસ રચી શકીશું.’ અનાર પટેલે નરેશ પટેલના શબ્દોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ઉછળતા દેડકાઓનું વજન કરવું શક્ય છે, પરંતુ પટેલોને એકજૂથ કરવું મુશ્કેલ છે.’ છતા પણ નરેશભાઈ પટેલે પટેલ સમાજને એકત્રિત કરીને બતાવ્યું છે, જે તેમની નેતૃત્વ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.
અનાર પટેલે કહ્યું કે, ‘મતભેદ ચાલી શકે, ચર્ચા-વિવાદ પણ થઈ શકે, પરંતુ મનભેદ ક્યારેય ન હોવા જોઈએ. આંતરિક વિખવાદ સમાજને નબળો બનાવે છે. વૃદ્ધ માતા-પિતાની સંભાળ બાબતે તેમણે ભાવુક અપીલ કરતા કહ્યું કે, ‘પટેલ સમાજના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં જવા ન પડે તે આપણી સૌની સંયુક્ત જવાબદારી છે.’ અંતે અનાર પટેલે કહ્યું કે, ‘નરેશ પટેલને ટેકો આપીએ, ટીકા નહીં.’ તેમણે સમાજને એકતાની દિશામાં આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું.

