- Gujarat
- ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. એવી જ રીતે ભાવનગરના હીરા ઉદ્યોગની પણ પરિસ્થિતી દયનીય બની છે. અહીં હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ યથાવત જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત દિવાળી બાદ કેટલાય કારખાના ખૂલ્યા જ નથી અને સ્ટાફને પણ છૂટો કરવાની નોબત આવી છે.
દિવાળીની રજાઓ બાદ હીરા ઉદ્યોગમાં લાભ પંચમના શુભમુહૂર્તે અથવા સામાન્ય રીતે અગિયારસથી કામકાજ શરૂ જાય છે, પરંતુ આ વર્ષે મંદીનો માહોલ યથાવત્ છે. હાલમાં હીરા બજારોમાં મંદી છે. દિવાળી બાદ જે કારખાનાઓ અને હીરા ઓફિસો શરૂ થઈ જવી જોઈએ, તે શરૂ થઇ નથી. ભારે મંદીને કારણે આ યુનિટો હજુ પૂરી રીતે રીતે કાર્યરત થયા નથી. હાલમાં માત્ર 10-20 ટકા હીરા ઓફિસો અને જિલ્લામાં 30-35 ટકા હીરાના કારખાનાઓ જ ખુલ્યા છે.
દિવાળી બાદ સામાન્ય રીતે અગિયારસના શુભમુહૂર્તે હીરા ઉદ્યોગ ફરીથી રાબેતા મુજબ કાર્યરત થઇ જતા હોય છે, પરંતુ આ વર્ષે ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગને મંદીનો માર પડ્યો છે. શહેરમાં સ્થિત લગભગ 3000-4000 હીરાની ઓફિસો અને કારખાનાઓમાં લગભગ 1.5-2 લાખ જેટલા લોકો રોજગાર મેળવે છે છતાં હાલ મોટાભાગના યુનિટો બંધ છે. છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકાના ટેરિફના પ્રભાવને કારણે ઉદ્યોગ પર ભારે અસર જોવા મળી રહી છે. દિવાળી બાદ હીરા બજારોમાં ફરી ચહલપહલ જોવા મળે તેવી સંભાવના હતી, પરંતુ આવું થયું નથી.
ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ જણાવ્યું હતું કે, ‘હીરામાં છેલ્લા 2-3 વર્ષથી મંદીનો માહોલ છે. એના હિસાબે દિવાળી બાદ પાંચમ અને અગિયારશે મુહૂર્ત થઈ બજારો અને ઓફિસો કારખાના રાબેતા મુજબ થવા જોઈ તે હજુ શરૂ થયા નથી. કારણ કે એમાં ટેરિફ અને રશિયા-યુક્રેન યુદ્ધની અસર બજારો પર જોવા મળી રહી છે. આજે પૂનમ બાદ કેટલાય દિવસ થઈ ગયા છટ હજી 10% ઓફિસો કાર્યરત થઈ છે અને જિલ્લામાં 2-3 હજાર હીરાના કારખાનાઓ છે. એમાંથી 30-35% કારખાનાઓ જ શરૂ થયા હશે.’
આ અંગે હીરાના વેપારી ભરત ભાયાણીએ જણાવ્યું હતું કે, ‘માર્કેટમાં એવું છે કે છેલ્લા 3 વર્ષથી પહેલા રશિયા યુક્રેન યુદ્ધ બાદ ઇઝરાયેલવાળું યુદ્ધ શરૂ થયું. એમાંથી માર્કેટ થોડું ઉગરતું અને બહાર આવતું હતું તથા અમેરિકાવાળાએ ટેરિફવાળું શરૂ કર્યું, જેએસના કારણે માર્કેટ સાવ ઊભું રહી ગયું છે. હું પણ મેન્યુફેક્ચર છું. મેં પોતે મારા યુનિટ હજુ શરૂ કર્યા નથી. મારો પ્લાન એવો છે કે હું 50%ના સ્ટાફથી શરૂ કરી શકીશ. દિવાળી પછી એવું મારું આયોજન છે પૂરેપૂરી રોજગારી આપવાની અમે મહેનત કરીએ છીએ પરંતુ માર્કેટમાંથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ થતો નથી.
હીરાના વેપારી સતિષભાઈ માંડાણીએ જણાવ્યું કે, હું 2003થી હીરા વ્યવસાય સાથે સંકળાયેલો છું. એમાં છેલ્લા 3-4 વર્ષમાં રશિયા-યુક્રેન યુદ્ધ થયું એ પછી સતત ધીમે-ધીમે મંદીનો માહોલ છે અને દિવાળી બાદ વેકેશન ખુલે અને પાંચમે અને અગિયારસે મુહૂર્ત થતા હોય છે તે મુહૂર્ત હજુ થયા નથી. મારે ઓફિસમાં 30-35 લોકોનો સ્ટાફ હતો. અત્યારે અમે બધાને છૂટા કર્યા છે. અમારે પણ તે લોકોને રોજી રોટી આપવી છે પરંતુ કઈ રીતે આપવી.
રોજે રોજ નુકસાની જતી હોવાથી કેટલીક નુકસાની સહન કરવી અને અત્યારે પણ મારે જે 30-35 લોકોનો સ્ટાફ હતો તે મારે બેસાડવો છે, પરંતુ હું બેસાડી શકું એવી પરિસ્થિતીમાં નથી. એવું લાગે છે કે ઓફિસમાં 4-5 વ્યક્તિને સાચવી શકીશું. પરંતુ જે સાચવવા છે એ એટલે સાચવવા છે કે થોડું કામ ચાલુ થાય, પરંતુ તોય પણ નફાનું તો એક બાજુ રહ્યું, નુકસાની કરીને પણ એમને સાચવવાના છે. અત્યારે હીરા ઉદ્યોગની પરિસ્થિતી ખૂબ ખરાબ છે.

