- Gujarat
- ઘરેથી મળેલા 1.76 કરોડ રોકડા, કારમાં મળેલા 5 લાખ... લાંચ લેતા ઝડપાયેલા ક્લાસ-1 ઓફિસર એ.બી. ચૌધરીને સમ...
ઘરેથી મળેલા 1.76 કરોડ રોકડા, કારમાં મળેલા 5 લાખ... લાંચ લેતા ઝડપાયેલા ક્લાસ-1 ઓફિસર એ.બી. ચૌધરીને સમય પહેલા નિવૃત્ત કરી દેવાયો
ગયા મહિને એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ઉદ્યોગ ભવન ખાતે મુખ્ય વિદ્યુત નિરીક્ષક, વર્ગ-1 તરીકે ફરજ બજાવતા અશ્વિન બી. ચૌધરી સોલાર પ્રોજેક્ટ ને મંજૂરી માટે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન 'ઓપરેશન ગંગાજળ' હેઠળ વધુ એક મોટા અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે મુખ્ય વિદ્યુત નિરીક્ષક (ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર) અશ્વિન બી. ચૌધરીને જાહેર હિતમાં તાત્કાલિક અસરથી સમય પહેલાં નિવૃત્ત કરવાની જાહેરાત કરી છે.
સરકારે 10 જુલાઈ, 2026ના રોજ બહાર પાડેલી સત્તાવાર સૂચના મુજબ ગુજરાત સિવિલ સર્વિસિસ (પેન્શન) નિયમો હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અશ્વિન ચૌધરીને 3 મહિનાના પગાર અને ભથ્થા જેટલી રકમ ચૂકવીને સેવા પરથી દૂર કરવામાં આવ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, એ.બી. ચૌધરી વિરુદ્ધ ACB દ્વારા ગયા મહિને 1 જૂને ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની કારમાંથી રૂપિયા 5.51 લાખની રોકડ રકમ મળી આવી હતી, જ્યારે તેના નિવાસસ્થાનેથી લગભગ રૂપિયા 1.76 કરોડની રોકડ અને અન્ય સંપત્તિના પુરાવા મળી આવ્યા હતા.
લાંચિયા ક્લાસ-1 અધિકારી પાસેથી સુરત અને ગાંધીનગરમાંથી 2.64 કરોડની મત્તા મળી આવી હતી. અને અધિકારીની સ્વિફ્ટ કારમાંથી 5 લાખ અને તેના ઘરેથી 1.76 કરોડની રોકડ રકમ જપ્ત કરાઈ હતી. ,સાથે જ આરોપી ક્લાસ-1 અધિકારીએ માત્ર એક જ અઠવાડિયામાં સોલાર પેનલની 100 જેટલી ફાઇલો ધડાધડ ક્લિયર કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ કેસ બાદ સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા અને વડોદરામાં ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે તેમનું હેડક્વાર્ટર નક્કી કરવામાં આવ્યું હતું. હવે માત્ર એક મહિનાથી થોડા વધુ સમયમાં જ રાજ્ય સરકારે તેને ફરજ પરથી હટાવી દીધો છે.
રાજ્ય સરકારના વર્તુળોમાં આ કાર્યવાહી 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત ભ્રષ્ટાચાર સામેનો કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેસમાં અશ્વિન બી. ચૌધરીની સંપત્તિની પણ તપાસ ચાલી રહી છે અને ગેરકાયદેસર રીતે મેળવાયેલી મિલકતો સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
રૂપાણી સરકાર દરમિયાન ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GLDC)ના તત્કાલીન MD કનૈયાલાલ દેત્રોજા સામે થયેલી કાર્યવાહી બાદ રાજ્યના સુપર ક્લાસ-વન અધિકારી સામેની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ હવે કેસના નાણાકીય પાસાઓ અને સંપત્તિના સ્ત્રોતોની વધુ ઊંડી તપાસ કરી રહી છે. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. પરંતુ કેટલાક કિસ્સાઓ સમગ્ર તંત્ર પર જ સવાલો ઉભા કરી દે છે.

