- Gujarat
- JICA સમર્થિત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણકાર્ય પૂર્ણ, ભારત-જાપાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર
JICA સમર્થિત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણકાર્ય પૂર્ણ, ભારત-જાપાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગમાં ઐતિહાસિક સીમાચિહ્ન
વડોદરા, 9 સપ્ટેમ્બર, 2026: જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA)ના સહયોગથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)નું નિર્માણકાર્ય પૂર્ણ થતાં તેને સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારત-જાપાન સહયોગની ઐતિહાસિક સિદ્ધિ છે. JICAની નાણાકીય અને ટેક્નિકલ મદદથી તથા ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત અમલીકરણ એજન્સી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL)ના સહયોગથી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વડોદરા ખાતેથી પૂર્ણ થયેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ ત્રણ ભાગો- ન્યૂ સાણંદ નોર્થ – ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ – ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે – ન્યૂ JNPTની કુલ લંબાઈ 326 કિમી છે અને તેનું નિર્માણકાર્ય કુલ ₹20,703 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

1,504 કિમી લાંબા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)નું નિર્માણકાર્ય પૂર્ણ થતાં હવે ઉત્તર પ્રદેશના દાદરીથી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ (JNPT) સુધી સીધી કનેક્ટિવિટી મળશે. આ સિદ્ધિ ભારતના ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. JICA દ્વારા DFCCILને કુલ JPY 620,787 મિલિયન (₹37,658 કરોડ)ની ઑફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (ODA) લોન આપવામાં આવી છે. આ નાણાકીય સહયોગથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના આધુનિકીકરણ માટે તેમજ લોજિસ્ટિક્સ માળખું સુધારવા અને કનેક્ટિવિટી મજબૂત કરવાના ભારતના પ્રયાસોને વેગ મળ્યો છે.
આ સિદ્ધિ અંગે JICA ઇન્ડિયાના મુખ્ય પ્રતિનિધિ ટેકુચી તાકુરો (TAKEUCHI Takuro)એ જણાવ્યું કે, “WDFC માત્ર એક રેલવે પ્રોજેક્ટ નથી. તે વિઝન, સતત પ્રયાસ અને સહયોગની સફળ ગાથા છે. જ્યારે પ્રથમ વખત આ પ્રોજેક્ટનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે ઘણા લોકોને તે ખૂબ જ મહત્વાકાંક્ષી લાગ્યો હતો. આજે, આ પ્રોજેક્ટ લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અને સહયોગથી શું હાંસલ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. ભારતના સતત વિકાસને સહયોગ આપવા અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક તથા વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે JICA સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”
WDFCના આ ત્રણ માર્ગખંડો કાર્યરત થતાં WDFCના નેટવર્ક મારફતે જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) સુધી સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે અને માલસામાનની વધુ ઝડપી અને સરળ હેરફેર થઈ શકશે. આ કોરિડોર મહારાષ્ટ્રના પાલઘર, થાણે અને રાયગઢ જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારોને ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્રો સાથે જોડે છે. આ વિસ્તારોને બંદરો અને દેશના મુખ્ય બજારો સાથે જોડવાથી પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ મળશે. આ કોરિડોરથી લોજિસ્ટિક્સ ખર્ચ અને માલસામાનના પરિવહનનો સમય ઘટી જશે તેમજ મુંબઈના રેલવે નેટવર્ક પરનું ભારણ પણ ઘટશે.

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) પ્રોજેક્ટ ભારત-જાપાન સહયોગનું મજબૂત ઉદાહરણ છે. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમમેન્ટને વેગ આપવા માટે જાપાન લાંબા સમયથી નાણાકીય અને ટેક્નિકલ સહયોગ આપી રહ્યું છે. WDFC પ્રોજેક્ટનું પૂર્ણ થવું એ ભારતીય રેલવે અને DFCCIL માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ભારત અને જાપાનના સહયોગથી દેશના આર્થિક વિકાસ માટે મજબૂત અને ટકાઉ માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) વિશે
જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) જાપાનની પ્રાથમિક સરકારી એજન્સી છે, જે વિશ્વભરના સહયોગી દેશોને સત્તાવાર રીતે વિકાસ માટે સહાય (ઑફિશિયલ ડેવલપમેન્ટ અસિસ્ટન્સ) પૂરી પાડે છે. JICA ભારત સહિત 145 દેશોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

