- Gujarat
- રાણો રાણાની રીતે બોલવામાં ખાલી સારું લાગે... દેવાયત ખવડને પાછું જેલ જવું પડશે, કોર્ટે આપી દીધો આદેશ
રાણો રાણાની રીતે બોલવામાં ખાલી સારું લાગે... દેવાયત ખવડને પાછું જેલ જવું પડશે, કોર્ટે આપી દીધો આદેશ
સતત વિવાદોમાં રહેતા પ્રખ્યાત ગુજરાતી લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી છે. તેની કાયદાકીય મુશ્કેલી વધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેના જામીન રદ્દ કરીને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણની અરજી પર કોર્ટે આ નિર્ણય લીધો છે.
આ કેસમાં ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે જામીન પર મુક્ત થયા બાદ દેવાયત ખવડે સાક્ષીઓને ધમકાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. આ આરોપોને કારણે કોર્ટે જામીનની શરતોના ભંગને ગંભીરતાથી લઈને રદ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે 30 દિવસની મહત્તમ સમયમર્યાદા આપી છે, જેમાં દેવાયત ખવડે ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનું છે. આદેશનું પાલન ન થાય તો વધુ કડક પગલાં લેવાશે, જેમ કે નોન-બેઇલેબલ વોરંટ જાહેર કરવું.
આ કેસની શરૂઆત તાલાલા તાલુકાના ચિત્રોડ ગામની સીમમાં થયેલા હુમલા અને લૂંટના ગુનાથી થઈ હતી, જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને તેમના 6 સાગરિતોએ હુમલો કર્યો હતો. આ ઘટના 17 ઓગસ્ટ 2025ના રોજ બની હતી, જેમાં હ*ત્યાનો પ્રયાસ (IPC 307), રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને લૂંટ જેવા ગંભીર આરોપો નોંધાયા હતા. પોલીસે ખવડ સહિત 7 આરોપીઓને ધરપકડ કરી હતી, પરંતુ ફોજદારી કોર્ટે તેમને 15,000 રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા. જોકે તાલાલા પોલીસે વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી જેમાં જામીન રદ કરવાની માગ કરી હતી. 11 સપ્ટેમ્બર, 2025ના રોજ વેરાવળ સેશન્સ કોર્ટે પોલીસની અરજી માન્ય રાખીને જામીન રદ કર્યા હતા અને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ દેવાયત ખવડ અને તેમના સાગરિતોએ મોડી રાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયોમાં દેવાયત ખવડ પોલીસ કર્મીઓને ગળે લગાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ કેમેરા જોતા તેને દૂર ખસેડવામાં આવે છે. કોર્ટના આદેશ અનુસાર તપાસ અધિકારી સમક્ષ 17 સપ્ટેમ્બર સુધી હાજર થવાનું હતું, પરંતુ ખવડ કોર્ટમાં હાજર ન થયો હોવાથી તેના વકીલે લેખિતમાં સહમતિ આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનુસાર, ખવડના વકીલો હવે હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે ફરિયાદી પક્ષે ન્યાય મળવાની આશા વ્યક્ત કરી છે.

