- Gujarat
- ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સના પગારમાં વધારો કરવાનો આદેશ આપ્યો, હવે...
ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સના પગારમાં વધારો કરવાનો આદેશ આપ્યો, હવે...
ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સના વેતન અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેના પગલે લાંબા સમયથી લડી રહેલા આંગણવાડી કર્મચારીઓને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આંગણવાડી વર્કર્સને માસિક રૂ. 24800 અને આંગણવાડી હેલ્પર્સને માસિક રૂ. 20300 વેતન ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો રાજ્ય સરકાર દ્વારા સિંગલ જજના 2024ના હુકમ સામે કરવામાં આવેલી અપીલ પર આવ્યો છે.

સરકારની અપીલ ફગાવાઈ
હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આંગણવાડી વર્કર્સ (AWW)ને રૂ. 10000 ઉપરાંત રૂ 14800 (લઘુત્તમ માસિક વેતન) મળીને કુલ રૂ. 24800 અને આંગણવાડી હેલ્પર્સ (AWH)ને રૂ. 5500 ઉપરાંત રૂ. 14800 (લઘુત્તમ માસિક વેતન) મળીને કુલ રૂ. 20300 ચૂકવવા પડશે. આ ચૂકવણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર દ્વારા કરવાની રહેશે. ભવિષ્યમાં આ પગારમાં કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર સુધારા મુજબ ફેરફાર થશે.
ચુકાદાનો અમલ ક્યારે થશે?
કોર્ટે સરકારને આ વધેલા વેતનની ચૂકવણી 1 એપ્રિલ, 2025 થી શરૂ થતા નાણાકીય વર્ષથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ, કોર્ટે સરકારને આ નિર્ણયનો છ મહિનાની અંદર અમલ કરવા અને ચૂકવણી શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ ચુકાદાને કારણે આંગણવાડીના હજારો કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

