- Gujarat
- ભાવનગરની સમરસ હોસ્ટેલમાં ભોજનમાં મકોડા-વાંદો નીકળે છે, પાણી નથી મળતું, વિદ્યાર્થીઓ રસ્તે ઉતરતા...
ભાવનગરની સમરસ હોસ્ટેલમાં ભોજનમાં મકોડા-વાંદો નીકળે છે, પાણી નથી મળતું, વિદ્યાર્થીઓ રસ્તે ઉતરતા...
ભાવનગરની સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ભોજનમાં ઢોકળામાંથી સિગારેટ તથા દાળ-ભાતમાંથી કીડા-મકોડા નીકળવા, અસ્વચ્છ પ્લેટ-ગ્લાસ અને પાણીની ભારે તંગી સહિતના ગંભીર આક્ષેપો સાથે ગઈકાલે વિરોધ નોંધાવ્યો છે. ભોજનની નબળી ગુણવત્તા, પાણીની ભારે તંગી, સુરક્ષાના પ્રશ્નો અને સંચાલકો માનસિક ત્રાસ આપતા હોવાના વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા છે. આ મામલે ABVPના આગેવાનો અને હોસ્ટેલની છાત્રાઓએ નાયબ નિયામકને રજૂઆત કરી હતી.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, હોસ્ટેલમાં અવારનવાર પીરસાતા અશુદ્ધ ભોજન, પીવાના પાણીની વિકટ સમસ્યા અને સુરક્ષાના અભાવથી કંટાળીને સેંકડો વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ કમ્પાઉન્ડ અને મુખ્ય રોડ પર ઊતરી આવીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અગાઉ પણ અનેક રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. હોબાળાની જાણ થતાં જ પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે, મેસમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અત્યંત નબળી છે અને અવારનવાર જમવામાં વાંદા, મકોડા, ધનેડા અને અન્ય જીવજંતુઓ નીકળે છે. હદ તો ત્યારે થઈ જ્યારે વિદ્યાર્થિનીઓની થાળીમાંથી પ્લાસ્ટિક અને સળગેલી સિગારેટના ટુકડા પણ મળી આવ્યા હતા. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે તેમને પરાણે ખાવાનું ખવડાવવામાં આવે છે અને મેસના ખરાબ ભોજન અંગે નેગેટિવ રિવ્યુ આપવાથી પણ રોકવામાં આવે છે. વિરોધ કે વિડિયો વાયરલ ન થાય તે માટે રસોડામાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ABVP પ્રમુખ દીપીકા કછોટા, વિદ્યાર્થિનીઓએ આક્ષેપોમાં કહ્યું, છેલ્લા 4-5 મહિનાથી ભોજનમાં જીવજંતુઓ, કીડા, સિગારેટ અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ નીકળે છે, નાસ્તા અને જમવા માટેની થાળીઓ પણ યોગ્ય રીતે ધોવામાં આવતી નથી. મેઈન વોર્ડન પાયલ અને વિદ્યાર્થિનીઓનું ભોજન અલગ બનતું હોવાની પણ ચર્ચા છે. હોસ્ટેલના પાણીમાં લીલ જામતી હોવાના કારણે વિદ્યાર્થિનીઓ ગંભીર બીમારીઓનો ભોગ બની રહી છે.
વિદ્યાર્થિની કિંજલ શિયાળે રડતા રડતા કહ્યું કે, સવારે અમે નાસ્તો કરવા આવીએ તો સારી પ્લેટ પણ મળતી નથી અને હોય તો ધોયેલી હોતી નથી. પ્લેટ કે ગ્લાસ તમે જે જુઓ એ ખરાબ અને જમવાનું સારું આવતું નથી. હું શનિવારે જમવા આવી ઢોકળા હતા તો મને ના ભાવ્યા, તેથી હું નાખવા જતી હતી. તો મને નાખવા દીધા નહીં કહ્યું સારા છે તમે ખાવ.
ભોજન ઉપરાંત હોસ્ટેલમાં પીવાના પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓની પણ ભારે બૂમરાણ છે. હોસ્ટેલની લિફ્ટ દિવસો સુધી બંધ રહેતી હોવાથી ત્રીજા કે અન્ય માળે રહેતી દીકરીઓને પાણી ભરવા માટે નવમા માળ સુધી જવું પડે છે. 9 માળની આ હોસ્ટેલમાં માત્ર 2-3 ફ્લોર પર જ માંડ પાણી આવે છે. સ્વચ્છતા અને વાસણોની સફાઈ પ્રત્યે પણ ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે.
બીજી તરફ, હોસ્ટેલમાં રહેતી દીકરીઓની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્ટેલના મુખ્ય ગેટ પર સીસીટીવી કેમેરા બંધ હોવાનો અથવા તો ન હોવાનો લાભ ઉઠાવીને અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા વિદ્યાર્થિનીઓની પજવણી કરવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થિનીઓ કોલેજ કે અભ્યાસ અર્થે બહાર જાય છે ત્યારે રસ્તામાં પણ લુખ્ખા તત્વો તેમની હેરાનગતિ કરે છે.
વિદ્યાર્થીનિઓના વિરોદ બાદ અનુસૂચિત જાતિ લોકલ મેનેજમેન્ટના અધ્યક્ષ અને નાયબ નિયામક એમ.એન.ગામીત સ્થળ પર દોડી આવ્યા હતા હતા. વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળીને કહ્યું હતું કે, ભોજન અને અન્ય વ્યવસ્થાઓ અંગેની ફરિયાદોનું આવતીકાલ સુધીમાં યોગ્ય મૂલ્યાંકન કરીને સત્વરે નિકાલ કરવામાં આવશે. ગત મોડીરાત્રે સમરસ હોસ્ટેલમાં વિધાર્થીનીઓએ હોબાળો મચાવતા SDM, મામલતદાર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. કિચનનું ચેકીંગ કર્યું અને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળ્યા હતા.
SDM અક્ષર વ્યાસે કહ્યું કે, કલેક્ટરની સૂચનાથી વિદ્યાર્થિનીઓના પ્રશ્નો સાંભળવા અને નિરાકરણ કરવા માટે હું મારી ટીમ મામલતદાર સાથે ઉપસ્થિત રહ્યા, બહેનોના જે કોઈ પ્રશ્નો છે, તે સાંભળ્યા હતા. તેમાં જેટલા પ્રશ્નો અમારી કક્ષાએથી સોલ્વ થઈ શકે તેમ હતા, તેનું બહેનોને આશ્વાસન આપ્યું છે. ઉપરાંત જે નીતિગત વિષયો છે અને અન્ય પ્રશ્નો છે, તેની માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક મીટિંગ કરીશું અને મીટિંગમાં દરેકને યોગ્ય સૂચના અપાશે અને એમના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે, તેવા પ્રયત્નો તંત્ર કરશે.

