- National
- પાન મસાલા પ્લાસ્ટિક પેકિંગમાં નહીં વેચી શકાય, આખા દેશમાં પ્રતિબંધ, FSSAIએ જાહેર કર્યા કડક નિયમો
પાન મસાલા પ્લાસ્ટિક પેકિંગમાં નહીં વેચી શકાય, આખા દેશમાં પ્રતિબંધ, FSSAIએ જાહેર કર્યા કડક નિયમો
દેશમાં પર્યાવરણ સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણ દિશામાં એક મોટો નિર્ણય લેતા ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા પાન મસાલાના પેકિંગમાં વપરાતા તમામ પ્રકારના પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. FSSAIએ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, 2026'નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. 10 ઓગસ્ટ 2026ના રોજ સરકારી ગેઝેટમાં પ્રકાશિત થવાની સાથે જ આ નવા નિયમો તત્કાલ અસરથી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયા છે.
નવા નિયમો અનુસાર, પાન મસાલાના પેકિંગમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક, પોલિથિન, PVC, પોલિએસ્ટર કે સિન્થેટિક પોલિમરના ઉપયોગ પર સંપૂર્ણ રોક લગાવાઈ છે. પર્યાવરણ સંરક્ષણ કાયદા, 1986 અંતર્ગત બનેલા 'પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016'ની જોગવાઈઓ હેઠળ આ નિર્ણય લેવાયો છે. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ ફોઇલવાળા પાઉચ વર્ષો સુધી નાશ પામતા નથી અને જમીન તેમજ પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે, જેને રોકવા માટે આ કડક આદેશ આપવામાં આવ્યો છે.

ઉત્પાદક કંપનીઓએ હવે ફરજિયાતપણે ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવા પડશે. હવેથી પાન મસાલા માટે માત્ર પ્લાસ્ટિક-મુક્ત કાગળ, પેપરબોર્ડ, સેલ્યુલોઝ કે અન્ય કુદરતી રીતે મળી આવતા મટીરિયલનો જ ઉપયોગ કરી શકાશે. આ સિવાય FSSAIએ ટીનના ડબ્બા અને કાચના કન્ટેનરના ઉપયોગને પણ મંજૂરી આપી છે.
ઘણીવાર કંપનીઓ બહાર કાગળ અને અંદરથી ભેજ રોકવા પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમનું કોટિંગ કરતી હોય છે, પરંતુ FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે પેકેજિંગ અંદર અને બહાર—બંને તરફથી સંપૂર્ણપણે પ્લાસ્ટિક-મુક્ત હોવું ફરજિયાત છે. જો કોઈ કંપની બહાર કાગળનું આવરણ રાખી અંદર પ્લાસ્ટિક કે ચમકતી ફોઇલ વાપરશે, તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે.
પેકેજિંગના નિયમો સંદર્ભે આ એક મોટો ફેરફાર છે. આ માટે 2018ના 'ખાદ્ય સુરક્ષા અને માનક નિયમો'માં સુધારો કરીને પાન મસાલાને 'શેડ્યૂલ 4' હેઠળ એક નવી એન્ટ્રી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ શેડ્યૂલમાં સરકાર એવા વિશિષ્ટ ખાદ્યપદાર્થોની યાદી રાખે છે, જેના પેકેજિંગ મટીરિયલ માટે ખાસ નિયમો નક્કી કરાય છે.

FSSAIએ સ્પષ્ટતા કરી છે કે આ નોટિફિકેશન માત્ર પેકેજિંગ મટીરિયલ માટે છે, પ્રોડક્ટ તરીકે પાન મસાલા કે ગુટખાના વેચાણ પર કોઈ નવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જોકે, પ્લાસ્ટિક પાઉચની સરખામણીએ કાગળ, ટીન કે કાચનું પેકેજિંગ ઘણું મોંઘું પડે છે. ઉત્પાદન પડતર વધવાના કારણે કંપનીઓ આ બોજ ગ્રાહકો પર નાખશે, જેથી આગામી દિવસોમાં પાન મસાલાના ભાવમાં વધારો થવો નક્કી છે.
નિયમોનું ઉલ્લંઘન કરનારી ઉત્પાદક કંપનીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ તેમજ 'પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ' હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. દોષિત જણાતી કંપનીઓ પર ભારે દંડ ફટકારવાથી લઈને ઉત્પાદન પર રોક લગાવવા અને ફેક્ટરીનું લાઈસન્સ રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.

