- Gujarat
- ખેડા: સાબરમતી નદીના પૂરથી જળબંબાકાર, એક આખું ગામ ડૂબી ગયું
ખેડા: સાબરમતી નદીના પૂરથી જળબંબાકાર, એક આખું ગામ ડૂબી ગયું
સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરા અને આસપાસના ગામોમાં ફરી વળતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડા-ધોળકા રોડ પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ખોરવાયો છે. આ સ્થિતિથી ખાસ કરીને પશુપાલકોની હાલત દયનીય બની છે.
રસિકપુરા ગામમાં 'સ્થળ ત્યાં જળ' જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં ઘરોમાં 9 થી 10 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ગ્રામજનોને પોતાના ધાબા પર આશરો લેવાની ફરજ પડી છે. પશુપાલકો પોતાના 700થી વધુ પશુઓને લઈને રસ્તા પર આવી ગયા છે અને તેમને ઘાસચારો ખવડાવવાની મોટી સમસ્યા ઊભી થઈ છે, કારણ કે તમામ ઘાસચારો પૂરના પાણીમાં પલળી ગયો છે. ગ્રામજનોએ સરકાર પાસે પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
સ્થળાંતર અને રાહતકાર્ય
ખેડાના કલોલી ગામમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કલોલી પહોંચી ત્યારે પાણીના પ્રવાહને કારણે તેમને ટ્રેક્ટર પર બેસીને જવું પડ્યું હતું. કલોલી ગામની 2000થી વધુ વીઘા જમીન સાબરમતીના પાણીમાં ડૂબી ગઈ છે. ગામના નીચાણવાળા વિસ્તારમાં રહેતા 500થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
આ ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસાણા, બનાસકાંઠા અને ખેડા જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરી શકાય.

