- Gujarat
- બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય! શું વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે?
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય! શું વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે?
આ વર્ષે વરસાદે હદ વટાવી દીધી. મેઘો એટલું વરસ્યો, એટલું વરસ્યો કે ખેડૂતોને રડતાં કરી મૂક્યા. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવી લીધો. તો હવે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં એક લૉ પ્રેશર એરિયા સર્જાશે. જે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેના કારણે વાવાઝોડું આવી શકે છે. જ્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ આગળ વધીને સોમાલિયામાં જતી રહે તેવી શક્યતા જોવાઇ રહી છે.
જેના કારણે ગુજરાત પર આ સિસ્ટમની અસર નહીં થાય. જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં વાતાવરણમાં થોડો-ઘણો બદલાવ આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 25 નવેમ્બર બાદ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટછવાયો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કઇ દિશામાં કેટલી મજબૂતાઇ આગળ વધે તેના પર વાવાઝોડાનો આધાર છે. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે. એવું અનુમાન છે કે, નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક લૉ પ્રેશર વિસ્તાર બની શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ધીમે-ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયનનો વધારો થઈ શકે છે. ત્યારબાદ આ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની સંભાવના છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 15 °C રહેવાની શક્યતા છે.
સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આ સિસ્ટમ બન્યા બાદ સતત મજબૂત બનશે. તે પહેલા ઊંડા ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી ઝડપથી ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. અહેવાલમાં જણાવાયું છે કે, વાવાઝોડામાં ફેરવાયા બાદ પૂર્વ કિનારા તરફ આગળ વધી શકે છે. તેની સૌથી મોટી અસર તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સામાં અનુભવાઈ શકે છે.
સ્કાયમેટ વેધરના મતે, જો વાવાઝોડું રચાય છે, તો તે 27-29 નવેમ્બરની વચ્ચે જમીન પર ટકરાઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું કે, વાવાઝોડા વિશે ચોક્કસ માહિતી ત્યારે જ મળશે જ્યારે સિસ્ટમ 24 નવેમ્બરની આસપાસ ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનના સ્તરે પહોંચશે. જો તે રચાય છે, તો તે આ સીઝનમાં બંગાળની ખાડીમાં બીજું ચક્રવાતી તોફાન હશે. IMD અનુસાર, 22 નવેમ્બરના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે, જે 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની ધારણા છે. ત્યારબાદ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે.
સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આંદામાન સમુદ્ર અને ઉત્તર બંગાળની ખાડીમાં બનતા તોફાનો ઘણીવાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે. જો કે, હાલમાં જે સિસ્ટમ બની રહી છે તે વિષુવવૃત્તની ખૂબ નજીક છે, જેના કારણે તે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ વળે તેવી શક્યતા વધુ છે.
સ્કાયમેટ વેધરના મતે, જો કોઈ વાવાઝોડું બને છે, તો તેનું નામ સેન્યાર રાખવામાં આવશે. આ નામ સંયુક્ત આરબ અમીરાત દ્વારા આપવામાં આવ્યું હતું. બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રની રચના થયા પછી, આ સિસ્ટમ 23-24 નવેમ્બરની વચ્ચે દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી પર એક મજબૂત ડિપ્રેશનમાં તીવ્ર બનશે. ત્યારબાદ તે 25 થી 26 નવેમ્બરની વચ્ચે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બની શકે છે. જો કે, હવામાનશાસ્ત્રીઓએ સ્પષ્ટતા કરી છે કે નીચા દબાણવાળા ક્ષેત્ર તોફાનમાં વિકસે છે કે કેમ તે અંગે ચિત્ર હજુ સ્પષ્ટ નથી.
અંબાલાલ પટેલનું કહેવું છે ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે, વાવાઝોડાની અસરથી વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે અને પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની અસર વધુ રહેશે, સુરત, નવસારી, ભરુચ, અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે, 25 નવેમ્બર થી 28 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડી માં આંશિક ઘટાડો થશે. 2-8 ડિસેમ્બર સુધી દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.

