- Gujarat
- સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’
પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અવસર પર બોલતા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, તમે આખો દા’ડો બાલદેવજી ઉપર, ગેનીબેન ઉપર, અલ્પેશભાઈ ઉપર અને જગદીશભાઇ ઉપર અને નટુજી ઉપર બધા પર ભરોસો રાખીને બેસો અને તમારો છોકરો બારમું ભણેલો હોય અને હમણાં જ નવલ સિંહે કહ્યું કે, બહુ બહુ કોલેજ સુધી પહોંચ્યા હોય. કોલેજ કરેલો છોકરો હોય કે બારમું ભણેલો હોય. અને હવે તમે આ બધાને ફોન કરીને કહો કે, મારા છોકરાને થોડું ધ્યાન રાખજો સરકારી નોકરીમાં.
ગેનીબેને કહ્યું કે, જો એમનાથી ધ્યાન રહેતું હોય અને એ પ્રમાણે ચાલતું હોય તો આ 75 વર્ષમાં માધવ સિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને કેબિનેટથી ગણીને કરીને 75 વર્ષનું રાજકારણ ગણાવું તો આ બધાના છોકરામાં એક એક કલેક્ટર, મામલતદાર કે TDO ના હોત? અહીં બેઠા એ પહેલા એમનું કરતા કે ન કરતાં. એટલે એમ નથી થતું. એ કરવા માટે IAS અને IPSની પરીક્ષા પાસ કરવી પડે. IAS-IPSની પરીક્ષા પાસ કરો તો સિલેક્શન થાય. ઠીક છે કે સહકારી માળખું હોય એટલે એકાદ લાગવગ કે મિત્રતાના નાતે સહકારી માળખામાં નાની મોટી નોકરી મળે, બાકી મામલતદાર, TDO IPS, IAS બનાવવા હોય તો એ પ્રમાણેનું ભણતર આપણા દીકરા-દીકરીઓને આપવું પડે. વ્યવસ્થાઓ જરૂરી છે, અને આખી દી બીજાની રાહ ન જોવી જોઈએ. જે સમાજો આગળ નીકળ્યા છે તેમનું અનુકરણ કરીએ.
તો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આપણાં સમાજના બેન સાંસદ બની ગયા છે. અને ભાઇ સ્વરૂપજી મંત્રી બની ગયા છે, અલ્પેશ ઠાકોરે ગેનીબેન અને સ્વરૂપજી ઠાકોરને ઊભા કર્યા. ત્યારબાદ અલ્પેશે કહ્યું કે, આ બંને આપનાર બન્યા છે. સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા છે, તેમને જોરદાર તાળીઓથી વધાવી લો. ત્યારબાદ અલ્પેશ ઠાકોર કહે છે કે, શું આપશે અને શું નહીં એ તો આવશે એમાં ન પડો. પરંતુ આપણે બીજા ગામમાં જઈને સરપંચને સાહેબ કહીએ અને મંત્રીને સાહેબ ન કહીએ ને. આ આપણો સાહેબ છે, આપણી બેન થાય. તમે આપણાની જ ઈર્ષ્યા કરશો, તો ક્યાં જશે.
તેમણે વધુમાં કહ્યું કે, પેલા બધા કહે અલ્પેશભાઈને મંત્રી નહીં બનાવ્યા. અરે અલ્પેશભાઇ જેવા સો ના બને. અને આવા 10 આવી જેશે ને તોય સમાજનો ઉદ્વાર થઈ જશે. એટલે અલ્પેશ ઠાકોર કે કોઈ બીજા ત્રીજા વ્યક્તિઓમાં ન પડો. એટલે સમાજની સાચી વાત કરો. સમાજની ચિંતા કરતાં શીખો. મને એવી કોઈ મહત્ત્વાકાંક્ષા નથી. મને ચિંતા એટલી જ છે કે સમાજની શૈક્ષણિક દિશા જે નક્કી થઈ છે, જે શૈક્ષણિક ભૂખ લાગી છે આ સમાજમાં. એ ભૂખને વધુ મજબૂત કરો.

